ગાંધીનગર ગરમીના ભરડામાં ..!! તાપમાનનો પારો 43 પ્લસ .!?

0
40

રાજ્યભરની સૌથી ગરમ રાત્રીમાં ગ્રીનસીટી ગાંધીનગર પ્રથમ ક્રમે રહી હતી. કેમ કે માત્ર ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડીગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 28.8 ડીગ્રીએ પહોંચ્યું હતું. આથી સવારથી જ ગરમીની હાજરીથી માત્ર 10 કલાકમાં જ નગરનું મહત્તમ તાપમાનમાં 14.2 ડીગ્રીના વધારાથી સીઝનનું સૌથી વધુ મહત્તમ તાપમાન 43 ડીગ્રી ગત વર્ષ કરતા 37 દિવસ વહેલાં નોંધાયું છે. ગત વર્ષે 16મી, મે-2024ના રોજ નગરનું મહત્તમ તાપમાન 43.5 ડીગ્રી નોંધાયું હતું. આથી ગ્રીનસીટી ગાંધીનગર દિવસ અને રાતે પણ હોટસીટીમાં ફેરવાઇ ગયું છે.

ગત વર્ષ કરતા 37 દિવસ વહેલા નગરનું મહત્તમ તાપમાન 43 ડીગ્રી નોંધાયું છે. જ્યારે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે નગરનું લઘુત્તમ તાપમાન 27 દિવસ વહેલા લઘુત્તમ તાપમાન 28.8 ડીગ્રી નોંધાયું છે. ગત તારીખ 5મી, મે-2024ના રોજ નગરનું લઘુત્તમ તાપમાન 28.3 ડીગ્રી નોંધાયું હતું. આથી સમગ્ર રાજ્યભરની સૌથી ગરમ રાત્રી ગ્રીનસીટી ગાંધીનગરની બની રહી હતી. જોકે હવામાન વિભાગે હિટવેવની કરેલી આગાહી સાચી પડતા નગરનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધતાં નગરવાસીઓનો ગરમીએ દિવસે તો ઠીક પણ રાત્રે પણ પીછો છોડ્યો નથી. ગાંધીનગરને ગ્રીનસીટી બનાવી રાખવું હોય તો મનપાએ સેક્ટરોમાં, કોમન પ્લોટ, ફુટપાથ ઉપર તેમજ રોડની બન્ને સાઇડ, શોપીંગ સેન્ટર, રહેણાંક વિસ્તાર સહિતમાં બેફામ નાંખવામાં આવતા બ્લોકને બંધ કરવા જોઇએ. વધુમાં વિકાસની આંધળી દોડને પગલે આડેધડ વૃક્ષોને કાપી નાંખવાથી એક સમયનું ગ્રીનસીટી હાલમાં હોટસીટીમાં ફેરવાઇ ગયું છે. ત્યારે ખરા અર્થમાં પર્યાવરણને બચાવવું હોય તો સેક્ટર, રોડની બન્ને સાઇડ તેમજ ખુલ્લી જગ્યાઓમાં વધુને વધુ વૃક્ષારોપણ કરીને તેનો ચોક્કસ ઉછેર થાય તે દિશામાં નક્કર કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ ખરા અર્થમાં નગરવાસી ગ્રીનસીટીનો અનુભવ કરી શકશે. બાકી સરકારી ચોપડે ગાંધીનગરને તો ગ્રીનસીટી બતાવવામાં આવી રહ્યું છે.

છેલ્લા દસેક દિવસથી નગરના મહત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો હતો. પરંતું નગરનું લઘુત્તમ તાપમાન 23થી 24 ડીગ્રીની આસપાસ રહેતા મહત્તમ તાપમાન 40થી 42 ડીગ્રીની આસપાસ રહેતું હતું. પરંતું છેલ્લા ચોવીસ કલાકમાં જ નગરના લઘુત્તમ તાપમાનમાં 4 ડીગ્રીના વધારો નોંધાતા તેની સીધી અસર મહત્તમ તાપમાન ઉપર જોવા મળી હતી. ગરમીનું જોર વધતા જ નગરના વાતાવરણમાં ભેજના પ્રમાણ ઉપર તેની અસર પડી છે. નગરના વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 41 ટકાની સામે ગરમી વધતા સાંજે ભેજનું પ્રમાણમાં 23 ટકાના ઘટાડા સાથે 18 ટકા નોંધાયું છે. વધતી જતી ગરમીને પગલે તેની સીધી અસર બપોર પછી લોકોની અવર જવર ઉપર જોવા મળી રહી છે. આથી નગરના માર્ગો ઉપર વાહનોની પાંખી હાજરી જોવા મળતી હતી.ગાંધીનગરનું મહત્તમ તાપમાન સામાન્ય તાપમાન કરતા 4.9 ડીગ્રી વધારે રહેવા પામ્યું હોવાનું હવામાન વિભાગની વેબસાઇટ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.