ગાંધીનગર જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં ૭૮ ટકા મતદાન…..

0
440

સમગ્ર રાજ્યની સાથે ગાંધીનગર જિલ્લાની ૮૫ સામાન્ય તથા ચાર સરપંચની પેટ મળી કુલ ૮૯ ગ્રામપંચાયતોની ચૂંટણી અંતર્ગત આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ઝરમર વરસાદી ઝાપટાં વચ્ચે ચૂંટણી તંત્રની અગ્નિ પરિક્ષા આ ગ્રામપંચાયતની ચૂંટણીએ કરી હતી. સવારે નીચું મતદાન રહ્યા બાદ બપોર પડતા જ ગામડાના દરેક માર્ગો મતદાન મથકો તરફ જતા હોય તેમ લાગતું હતું જેના કારણે બપોરે ગાંધીનગર જિલ્લાના દરેક મતદાન મથકો બહાર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. એટલુ જ નહીં, જિલ્લાના ૨૮૫ જેટલા મતદાન મથકો પૈકી મોટાભાગના મથકોમાં મતદાનની પ્રક્રિયા ૧૨ કલાકથી પણ વધુ ચાલી હતી. ગામડાના મતદારોએ ખરા અર્થમાં લોકસાહીના પર્વની ઉજવણી કરી હોય તેમ આ ગ્રામપંચાયતની ચૂંટણીમાં જોવા મળ્યું હતું.ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી ચૂંટણીમાં મતદાન મથકો ઉપર અને ગામોમાં સવારે વરસતા વરસાદી ઝાપટાં વચ્ચે ચૂંટણીનો ગરમાવો જોવા મળતો હતો. સવારથી જ વડીલો અને યુવા વર્ગ મતદાન મથકો તરફ જતાં નજરે ચઢતા હતાં. તો બપોર બાદ ઘરનુ ં કામકાજ પતાવીને મહિલાઓએ પણ આ વખતે જંગી મતદાન કર્યું હતું. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક બાજુ સ્વયંભૂ મતદાન થતું હતું તો બીજી બાજુ ઉમેદવારો મતદાતાઓને આકર્ષવા માટે વિવિધ કિમીયા અપનાવતાં પણ જોવા મળ્યા હતા. બપોર સુધી મતદાન નહીં કરનાર મતદાતાઓના ઘરે જઈને તેમજ ખાસ વાહન દોડાવીને મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જતાં હતા તો સ્થળાંતર કરી ગયેલા મતદાતાઓને પણ યાદ કરીને ઉમેદવારો તેમના ઘરે તેડાવી લઈને મતદાન કરવાની ફરજ પાડતાં હતા. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થતાં પોલીસ અને ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.જિલ્લાની ૮૯ ગ્રામ પંચાયતો માટે આજે સવારથી જ મોટા પ્રમાણમાં મતદાન થતાં ચૂંટણીના પરિણામની દરેક અટકળો ખોટી પડશે તેવું નિષ્ણાંતો માની રહયા છે ત્યારે આ ગ્રામ પંચાયતની ચૂટણીમાં જિલ્લામાં વિક્રમી મતદાન થયાનું અંદાજવામાં આવે છે.