સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટયું છે જેના પગલે ગાંધીનગર શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસ પણ હવે એકલ-દોકલ માંડ આવી રહ્યા છે. ત્યારે આગામી ઓગસ્ટ માસના મધ્યથી કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવાની છે જેથી સમગ્ર વહિવટી તંત્ર આ ત્રીજી લહેરને ઉગતી ડામવા અને દર્દીઓને યોગ્ય-ઝડપી સારવાર મળી રહે તેની તૈયારીઓમાં લાગ્યું છે. ત્યારે ચોમાસાની સિઝનમાં આ વખતે મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય અને જીવલેણ બિમારીના કેસ વધવાની શક્યતા પણ તબીબો વ્યક્ત કરી રહ્યાં છે તે પ્રત્યે પણ લોકોએ જાગૃત થવું પડશે. ચોખ્ખા પાણીમાં થતાં મચ્છરોથી ડેન્ગ્યુ અને મેલેરિયા થાય છે ત્યારે ઘર આગળ કે કામ કરવાના સ્થળની આસપાસ પાણી ભરાઇ ન રહે તેની ચોક્કસાઇ રાખવી ખુબ જ જરૃરી બની ગઇ છે. આ વચ્ચે હજુ ચોમાસાની શરૃઆત છે તેવી સ્થિતિમાં ગાંધીનગર શહેર અને ન્યુ ગાંધીનગરમાંથી ડેન્ગ્યુના છુટા છવાયા કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે. સામાન્ય રીતે ન્યુ ગાંધીનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ વધુ હોવાના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય છે અને તેના કારણે આ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસ વધે છે. આ વખતે પણ અત્યારથી જ આ વિસ્તારમાંથી ડેન્ગ્યુએ માથું ઉંચક્યું છે.ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં પણ મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો થયો છે.
આ મચ્છરજન્ય રોગચાળાને ઉગતો જ ડામી દેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયાલક્ષી સર્વેલન્સ ગાંધીનગર શહેર તથા જિલ્લામાં શરૃ કર્યો છે. જેમાં તાવના લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો બીજીબાજુ ઘરમાં કે આસપાસની જગ્યામાં પાણી ભરેલા પાત્રોની પણ તાપસ કરવામાં આવે છે. રહિશોએ પણ પોતાના ઘરની આસપાસ ક્યાંય પણ પાણી ભરાઇ ન રહે તેની કાળજ લેવ જોઇએ તેમ આરોગ્ય તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.