ગાંધીનગર જિલ્લામાં યોજનાકીય વિકાસ કામોની સમીક્ષા કરતાં ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી

0
236

ગાંધીનગર જિલ્લામાં મહત્વપૂર્ણ ૪૯ યોજનાકીય વિકાસ કામોની સમીક્ષા બેઠક ગૃહ રાજય મંત્રી અને ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
આ બેઠકમાં ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર જિલ્લામાં વિકાસકીય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીનાં પ્રગતિ અહેવાલ ઉપસ્થિત સર્વે અધિકારીઓ પાસેથી મેળવ્યા હતા. તેમણે સરકારની વિવિઘ યોજનાકીય સહાય લાભાર્થીઓને સરળતાથી અને ઝડપી મળી રહે તે રીતે કામગીરી કરવા માટે સર્વે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. યોજનાકીય લાભ સાચા લાભાર્થીને જ મળે તેનું ઘ્યાન રાખવા પણ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ યોજનાકીય કામોની વિગત મેળવ્યા બાદ આગામી સપ્તાહમાં આ યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં એન.એફ.એસ.એ. રેશનકાર્ડ, પ્રઘાનમંત્રી જનઘન યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના, પૂરક પોષણ યોજના, પ્રધાનમંત્રી જીવન જયોત વિમા યોજના, બાળકો માટે રમકડાની બેંક, પ્રાકૃતિક કૃષિ અંતર્ગત તાલીમ, લાડુ વિતરણ યોજના, વિઘવા સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, વ્યક્તિગત શૌચાલય, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રઘાનમંત્રી કિસાન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) જેવી વિવિઘ ૪૯ યોજનાઓની કામગીરીની સમીક્ષા ગૃહ રાજય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેકટર શ્રી હિતેષ કોયાએ સર્વે અધિકારીઓને પોતાની કચેરીમાંથી યોજનાકીય કામોની સચોટ માહિતી મેળવી શકાય તે માટે નોડલ અધિકારીની નિમણુંક કરવા જણાવ્યું હતું. તેમજ તમામ યોજનામાં લાભ લેનાર લાભાર્થીનો ડેટા એક સરખો તમામ કચેરીઓમાંથી આવે તે માટેની વિસ્તૃત માહિતી આપી હતી. તમામ વિકાસ કામોની માહિતી ખૂબ ઝડપી તૈયાર કરીને મોકલી આપવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે.એન.વાઘેલા, અધિક નિવાસી કલેકટર શ્રી ભરત જોષી સહિત અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.