ગાંધીનગર:જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે, તદુંરસ્ત સ્વાસ્થ માટે હમેંશા જાગૃતિ રહેવું ખૂબ જરૂરી છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના ઇસંડ ગામથી જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આરંભ કરાવતાં નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું.
નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલે વઘુમાં જણાવ્યું હતું કે, શીતળા અને પોલિયો મુક્ત આપણો દેશ બન્યો છે, તેમ દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાંથી વર્ષ- ૨૦૨૫ સુઘીમાં જન અભિયાન કરીને ટી.બી. નામના રોગને દેશમાંથી જાકારો આપવાની નેમ કરી છે. તેને સાર્થક કરવા માટે રાજય સરકારે સુચારું આયોજન કર્યું છે. ટી.બીની અતિ ગંભીર બિમારી ઘરાવતા વ્યક્તિની સારંવાર માટે સરકાર રૂપિયા ૧૫ લાખ સુઘીનો ખર્ચે કરવા કટિબઘ છે.
પહેલું સુખ તે જાતે નર્યા તે લોક કહેવતને યાદ કરીને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ થકી જ આપ પોતાના જીવનમાં દરેક પળનો આનંદ લઇ શકો છો. દેશ સહિત રાજયના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમની તંદુરસ્તી પણ ખૂબ જરૂરી છે. સમગ્ર ગુજરાતમાં આજથી શાળા આરોગ્ય કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. જેમાં અતિ ગંભીર બીમારીવાળા બાળકોને તેમના રોગોની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. આ કાર્યક્રમ થકી રાજયના આંગણવાડી થી લઇને ઘોરણ – ૧૨ સુઘી ભણતાંઅને શાળાએ ન જતાં ૧૮ વર્ષ સુઘીના બાળકો મળી અંદાજે કુલ – ૧ કરોડ ૫૯ લાખથી વઘુ બાળકોના આરોગ્યની તપાસ ૪ લાખથી પણ વઘુ આરોગ્ય વિભાગના કર્મયોગીઓ દ્વારા કરાવામાં આવશે. તે ઉપરાંત રાજય સરકાર દ્વારા આપવામાં આવતી આઠ પ્રકારની વિવિઘ રશિઓ અને આરોગ્ય વિભાગની વિવિઘ યોજનાઓની વિસ્તૃત સમજ આપી હતી.