સમગ્ર રાજયમાં સ્વચ્છતા એ જ સેવાના ભાગરૂપે આગામી બે માસ દરમ્યાન સ્વચ્છતા ઝુંબેશ હાથ ઘરવામાં આવનાર છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશને વઘુ અસરકારક બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં સુચારું આયોજન અર્થે બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમે જણાવ્યું હતું કે, સ્વચ્છતાની શરૂઆત કર્મયોગીઓએ પોતાની ઓફિસથી જ કરવી જોઇએ. આમ કરવાથી લોકો સુઘી તેનો મેસેજ સારો જશે. ગાંધીનગર જિલ્લામાં આગામી બે માસ એટલે કે આઠ સપ્તાહ સુઘી યોજાનાર સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ઘાર્મિક સ્થળો, બાગ-બગીચા, ટુરિસ્ટ પેલેસ, રોડ જંકશન વગેરે જેવા તમામ જાહેર સ્થળોએ સ્વચ્છતા કરવાનું સુચારું આયોજન કરવા માટે જણાવ્યું હતું. તેમજ ગામમાંથી એકઠા થયેલા કચરાના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું.આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓ અને તમામ તાલુકા વિકાસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.