ગાંધીનગર જિલ્લા પંચાયતના સ્ટાફને વૈકલ્પિક બેઠક વ્યવસ્થા માટે જગ્યા ફાળવવા માગણી

0
225

ગાંધીનગર જિલ્લા પંચાયતનું મકાન જર્જરીત અને બેસવા લાયક નહી હોવાનો એસવીએનઆઇટી સંસ્થાનો રિપોર્ટ આવ્યો છે. આ બિલ્ડીંગની તોડીને નવીન બાંધકામ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી જિલ્લા પંચાયતના કર્મચારીને બેસવા માટે વૈકલ્પિક બેઠક વ્યવસ્થા માટે જગ્યા ફાળવવા માટે માંગણી કરવામાં આવી છે.

રાજ્યભરના ગામડાઓનું જ્યાંથી સંચાલન થાય છે તેવા રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના 286 ગામોનું સંચાલન કરતા ગાંધીનગર જિલ્લા પંચાયતનું મકાન જર્જરીત છે. નગરના સેક્ટર-17માં આવેલા ગાંધીનગર જિલ્લા પંચાયતના મકાન અગાઉ જ્યારે એક તાલુકો હતો ત્યારે પણ કાર્યરત હતું. જ્યારે હાલમાં દહેગામ, કલોલ, ગાંધીનગર અને માણસા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉપરાંત મહેકમ પણ ચાર ગણું થઇ જવા પામ્યું છે. વધુમાં ગ્રામ્ય વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓની સાથે સાથે દિન પ્રતિદિન સવાઓનું વિસ્તરણ તેમજ ડીજીટલાઇઝેશન અને લોકો માટેની પુરતી સુવિધાઓ માટે પર્યાપ્ત માત્રામાં જગ્યા ઉપલબ્ધ નથી. વધુમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના બિલ્ડીંગને 44 વર્ષ જેટલું જુનુ થઇ ગયું હોવાથી સુરતની એસવીએનઆઇટી સંસ્થા પાસે બિલ્ડીંગની સલામતીની ચકાસણી કરી હતી.