કોરોના વાઈરસને રોકવા લોકડાઉન લંબાવાયુ છે. પરંતુ ઉદ્યોગ, ધંધા પર પડી રહેલી માઠી અસર નિવારવા 4 મેથી તેમાં નવી છુટછાટ આપવા સરકારે નિર્ણય કર્યો છે. પરંતુ ગાંધીનગર જિલ્લામાં તેનો લાભ મળશે નહીં. જિલ્લાને રેડ ઝોન જાહેર કર્યો હોવાથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 17મી સુધી લોકડાઉનનો ચૂસ્ત અમલ કરવાનો રહેશે, તેમ કલેક્ટર ડૉ. કુલદિપ આર્યએ કહ્યું અને જણાવ્યુ કે દવા, કરિયાણા, દુધ તથા શાકભાજીની રાબેતા મુજબની વ્યવસ્થા ચાલુ રહેશે. ડેપ્યુટી મ્યુ. કમિશનર પ્રિતેશ દવેએ કહ્યું કે જિલ્લાને શુક્રવારે રેડઝોન જાહેર કરાયો છે. ત્યારે ગ્રીન ઝોનમાં આવતાં હજુ 25 દિવસ લાગશે. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ 14 દિવસ કેસ ઘટતા જશે તો ઓરેન્જ ઝોન અને ત્યાર બાદ 14 દિવસ કેસ નહીં આવે તો જ ગ્રીન ઝોનમાં ગાંધીનગરને મુકાશે. આ પહેલા અડાલજ, સુઘડ, ઉવારસદ, સરગાસણ, તારાપુર, હડમતિયા, ગિયોડ, પોર, અંબાપુર, વાવોલ, કલોલ તાલુકામાં કલોલ અને આરાસોડિયા તથા હાલીસા તથા આ તમામ ગામનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાતા 15મી મે સુધી પ્રતિબંધ રહેશે.