ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને આરોગ્ય, સેનિટેશન, બાગાયત, ફાયર અને ઈજનેરી વિભાગ સંલગ્ન સેવાઓ વધુ અસરકારક રીતે પૂરી પાડવા માટે ખાલી જગ્યાઓ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના પ્રશાસનમાં મહત્વની ભૂમિકા ભજવતા ક્લાર્ક સંવર્ગમાં ૧૭૦ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ કચેરી ખાતે હાજર થઈ ચૂક્યા છે, જેના પરિણામે કચેરીની કામગીરી અને જનસેવાના કાર્યોમાં ઝડપ આવી છે.
નાગરિકોને વધુ સક્ષમ આરોગ્યલક્ષી સેવાઓ આપવા માટે મેડિકલ ઓફિસર (વર્ગ-૨)ની ૧૧ જગ્યા, ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયન (વર્ગ-૩)ની ૦૬-૦૬ જગ્યા, MPHWની ૩૦ અને FHWની ૨૭ જગ્યા પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી ઉમેદવારોને ફરજ પર હાજર કરવામાં આવ્યા છે. શહેરના વિકાસકાર્યો માટે ઈજનેરી વિભાગમાં પણ મહત્ત્વની કામગીરી કરવામાં આવી છે. જેમાં મદદનીશ ઈજનેર સિવિલ (૧૬), ઈલેક્ટ્રીકલ (૦૬) અને મિકેનિકલ (૦૬) જગ્યા પર અધિકારીઓ ફરજ પર જોડાઈ ગયા છે. આ ઉપરાંત, એડિશનલ સિટી ઈજનેર (સિવિલ)ની ૦૨, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)ની ૦૯, તેમજ અધિક મદદનીશ ઈજનેર સિવિલ (૨૩), ઈલેક્ટ્રીકલ (૧૨) અને મિકેનિકલ (૧૧) સંવર્ગની ભરતી પ્રક્રિયાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.
અગ્નિશમન સેવાઓ સંદર્ભે ફાયર ઓફિસર (૦૨), સ્ટેશન ઓફિસર (૦૮) અને સબ ફાયર ઓફિસર (૦૫) જગ્યાઓની ભરતી પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં નિમણૂક આપવામાં આવશે. જ્યારે ફાયરમેન કમ ડ્રાઈવર સંવર્ગની ૧૩૮ જગ્યાઓ માટે જાહેરાત આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં પરીક્ષાનું આયોજન થશે.
ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવાના પ્રયાસરૂપે બાગાયત વિભાગમાં બાગાયત મદદનીશની ૧૧ જગ્યાઓ માટે દસ્તાવેજ ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં નિમણૂક અપાશે, જ્યારે બાગાયત સુપરવાઈઝરની ૧ જગ્યાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.
આ ઉપરાંત, પ્લાનિંગ આસિસ્ટન્ટની ૧૨ જગ્યાઓ માટે તા. ૨૧ ડિસેમ્બરે પરીક્ષા યોજાશે. સર્વેયર સંવર્ગની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ થનાર છે અને લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર માટે પણ ભરતી પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવશે. આમ, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા માનવ સંસાધન વિભાગને સક્ષમ બનાવી જનસુખાકારી વધારવાની દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે.






