ગાંધીનગર સંસદીય મત વિભાગની મત ગણતરી ગાંધીનગર ખાતે સેકટર- ૧૫ કોર્મસ એન્ડ આર્ટસ કોલેજમાં યોજાશે

0
192

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની મત ગણતરી આગામી તા. ૦૪ જૂન, ૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ગાંધીનગર સંસદીય મત વિભાગની મત ગણતરી સરકારી કોર્મસ અને આર્ટસ કોલેજ, સેકટર- ૧૫ ખાતે યોજાનાર છે. મત ગણતરીના સુચારું આયોજનનું બારીકાઇથી નિરીક્ષણ જનરલ ઓર્બ્ઝવર શ્રી વિનયકુમાર, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે અને જિલ્લા પોલીસ વડા શ્રી વાસમશેટ્ટી રવિ તેજાએ લીધી હતી.
આ મુલાકાત દરમ્યાન જનરલ ઓર્બ્ઝવર શ્રી વિનયકુમારના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગના એ.આર.ઓ. અને વિવિધ ટીમના નોડલ અધિકારીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ સમગ્ર મત ગણતરી સેન્ટર ખાતે કરવામાં આવેલી તમામ તૈયારીઓની ટુંકી રૂપરેખા રજૂ કરીને સમગ્ર તૈયારીથી વાકેફ કર્યા હતા. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયાએ તમામ સાતેય મત ગણતરી કેન્દ્ર, સી.સી. ટીવી મોનિટરીંગ રૂમ, મીડિયા રૂમ, રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રીઓની બેઠક વ્યવસ્થા તેમજ અન્ય તમામ વ્યવસ્થા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.
આ બેઠકમાં તમામ એ.આર.ઓ. દ્વારા તેમના વિધાનસભા મતદાર વિભાગમાં મત ગણતરી માટે કરવામાં આવેલી તૈયારીઓના સુચારું આયોજન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ તમામ નોડલ અધિકારીશ્રીઓએ પોતાની તૈયારીઓની માહિતી આપી હતી. બેઠક બાદ જનરલ ઓર્બ્ઝવરશ્રીએ મત ગણતરી સેન્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ બેઠકમાં તમામ વિધાનસભા મતદાર વિભાગના એ.આર.ઓ, વિવિધ ટીમના નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.