શિક્ષણનો અધિકાર (RTE) કાયદાના અસરકારક અમલીકરણ તરફ કામ કરવા માટે શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને કાર્યકરોને સાથે લાવવાના ઉદ્દેશ સાથે ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન કોન્કલેવ યોજવામાં આવી હતી. આ પ્રસંગે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ નીતિમાં શિક્ષણને વ્યવસાયિક માન્યતા નથી છતાં લોકો પૈસા કમાય :NCPCR અધ્યક્ષ
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) ખાતે બે દિવસીય રાઈટ ટુ એજ્યુકેશન કોન્ક્લેવનુ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનૂંગોએ ઉદ્ઘાટન કરીને જણાવ્યું હતું કે, આઝાદીથી લઈને આજ સુધીની કોઈપણ શિક્ષણ નીતિમાં શિક્ષણને વ્યવસાયિક પ્રવૃત્તિ તરીકે માન્યતા આપવામાં આવી નથી. જો કે એ અલગ વાત છે કે લોકો શિક્ષણમાંથી પૈસા કમાય છે. શૈક્ષણિક સંસ્થાઓ એક રાષ્ટ્રીય સંસાધન (નેશનલ રિસોર્સ) છે અને રાષ્ટ્રના દરેક બાળકનો આ રાષ્ટ્રીય સંસાધન પર સમાન અધિકાર છે.