ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલમાં થયેલી રેગિંગની ગંભીર ઘટનાને લઈને રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી કરી છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરતી ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે જ્યારે બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.ઘટના અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતાની સાથે જ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં ત્રીજા વર્ષ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કરી અસામાજિક વર્તન કર્યું હોવાનું સામે આવતા તમામ સામે કડક કાર્યવાહી કરાઈ છે.મંત્રી પાનશેરીયાએ કાર્યવાહી અંગે જણાવ્યું કે, વિદ્યાર્થી પોતાના માતા-પિતાના સપના સાકાર કરવા માટે અહીં અભ્યાસ કરવા આવે છે. તેમને હેરાનગતિ કરવી અથવા માનસિક ત્રાસ આપવો અયોગ્ય છે. તમે ડોક્ટર બનવા જઈ રહ્યા છો – માનવતા તમારું પ્રથમ ગુણ હોવું જોઈએ.તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે આગામી દિવસોમાં રાજ્યની બીજા મેડિકલ કોલેજોમાં પણ આવી ઘટનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવામાં આવશે. જો એક પણ એવી ફરિયાદ મળશે તો તાત્કાલિક સસ્પેન્શન સહિત કડક કાર્યવાહી કરવામાં આવશે.






