ગિફ્ટ સિટીમાં કારનો કાચ તોડી ૬.૬૦ લાખ રૃપિયાની ચોરી

0
234

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં કારના કાચ તોડીને તેમાંથી કીમતી માલ સામાન ચોરી લેતી ટોળકીનો તરખાટ વધી રહ્યો છે ત્યારે ગીફ્ટ સીટી ખાતે ક્રેડાઈ એક્ઝિબિશનમાં આવેલા બિલ્ડરની કારનો કાચ તોડી ગઠીયાઓ તેમાંથી ૬.૬૦ લાખ રૃપિયા રોકડા ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે તપાસ આદરી છે.

ગાંધીનગર શહેર માં એક બાજુ ઘરડ ચોરીના બનાવો વધી રહ્યા છે અને શહેર તેમજ આસપાસના વિસ્તારમાં જાહેર સ્થળોએ પાર્ક થયેલી કારના કાચ તોડીને તેમાંથી માલ સામાન ચોરી જતી ટોળકીનો તરખાટ વધી રહ્યો છે હજી સુધી આ ટોળકી પોલીસ પકડમાં આવી નથી જેના પગલે અલગ અલગ વિસ્તારમાં જાહેર કાર્યક્રમો દરમિયાન કારના કાચ તૂટવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ગિફ્ટ સિટીમાં પણ ક્રેડાઈ એક્ઝિબિશન દરમિયાન આવેલા બિલ્ડરની કારનો કાચ તોડી ચોરીની ઘટના બનવા પામી છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદ વસ્ત્રાપુર ખાતે રહેતા અને ઓઢવ ખાતે ગ્લોબલ આરએમસી ધરાવતા મેહુલભાઇ મહેશભાઇ સુર્યવંશીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલે બપરના આશરે અઢી વાગ્યાના સુમારે હુ તથા મારા મેનેજર ઉપેન્દ્રસિંહ રાઠોડ એમ બંન્ને અમારા મિત્ર -ધુ્રવરાજસિંહ જાડેજા કે જેઓ ગાંધીનગર કોબા ખાતે આર્યન બંગ્લોઝમાં રહે છે તેઓના ત્યાં ગયેલા અને ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે ક્રેડાઇ એક્ઝીબિશન બિલ્ડર એશોસિયશન દ્વારા રાખવામાં આવેલ હોય ત્યાં ભાગ લેવા ધ્વરાજસિંહની કારમાં ગીફટસીટી ખાતે કલબ હાઉસની બાજુમાં એક્ઝિબિશન છે ત્યાં સામેના ભાગે ગાડી પાર્ક કરી હતી. ત્રણેય જણા એક્ઝિબિશનમાં ગયેલા અને આશરે ચારેક વાગે પરત ગાડી પાર્ક કરેલ હતી ત્યાં આવતા જોયુ તો ધુ્રવરાજસિંહની ગાડીની આજુ બાજુ સિક્યુરીટી તેમજ અન્ય આઠ-દસ માણસો ઉભા હતા અને ગાડીનો ડાબી બાજુનો પાછળની શીટનો કાચ તુટેલ હતો અને ગાડીની પાછળની શીટમાં મેં તથા મેનેજર ઉપેન્દ્રસિંહે રાખેલ બે લેધરની લેપટોપ સાઇઝની બેગો ચોરાઈ હોવાનું જણાયું હતું. જેમાં ૬.૬૦ લાખ રૃપિયાની ચોરી થઈ હતી. જેથી આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.