Home News Gujarat ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં જોયું હોય તેવું ચોમાસુ જોવા મળશે

ગુજરાતમાં અગાઉ ક્યારેય નહીં જોયું હોય તેવું ચોમાસુ જોવા મળશે

0
359

ગુજરાતમાં વરસાદના વધુ એક ખતરનાક રાઉન્ડની ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થશે. તો હવામાન વિભાગે પણ કહ્યું કે, ત્રણ દિવસમાં વરસાદની ત્રીજી ઈનિંગ શરૂ થશે. 16 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ છે. બંગાળની ખાડીમા ડીપ ડીપ્રેશન બનતાં રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે અને બારે મેઘ ખાંગા થઈ શકે છે. 23થી 30 જુલાઈ દરમિયાન પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. જુલાઈ મહિનામાં અગાઉ ક્યારેય ન પડ્યો હોય તેટલો વરસાદ પડી શકે છે. રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ 16થી 19 જુલાઈ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે પણ કહ્યું કે, અગાઉ ક્યારેય નહી જોયું હોય તેવું ચોમાસુ જુલાઈ મહિનામાં જોવા મળી શકે છે. 16 જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને જેના કારણે નદીઓ ગાંડીતૂર બની શકે છે. 16 જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અનેક ઠેકાણે ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 16 જુલાઈથી વરસાદનો આક્રમક ત્રીજો રાઉન્ડ આવશે અને 19 જુલાઈ સુધી ભૂક્કા બોલાવી દેશે. ફરી એકવાર 23 જુલાઈથી વરસાદનો ચોથો રાઉન્ડ આવશે જે 30 જુલાઈ  સુધી રહેશે. વરસાદનો બીજો રાઉન્ડ તોફાની રહ્યો હતો અને 11 ઈંચ જેટલો વરસાદ પડ્‌યો હતો ત્યારે ત્રીજો રાઉન્ડ પણ તોફાની આવી શકે છે અને પવનનું જોર વધી શકે છે.