ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ગૌરવજનક સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘ગાંધીની બકરી’ હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થવા જઈ રહી છે.
14 જેટલી ગુજરાતી ફિલ્મ્સને ડિરેક્ટ કરનારા નિર્માતા નિર્દેશક ઉત્પલ મોદીની આ ફિલ્મ હિન્દીના જાણીતા સાહિત્યકાર સર્વેશ્વર દયાળ સક્સેનાના રાજકીય કટાક્ષ નાટક ‘બકરી’ પર આધારિત છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ સાતમી જુલાઈએ રજૂ થશે.
1975માં દેશ પર લદાયેલી કટોકટીના અંધાર યુગ વિશે રાજકીય કટાક્ષ પર ‘બકરી’ નાટક લખાયું હતું. જેમાં ભારતના રાજકીય સામાજિક વ્યયવસ્થામાં સ્થાપિત હિતો કઈ રીતે પ્રજાને મૂર્ખ બનાવે છે એ વાત પ્રતીકાત્મક રીતે રજૂ કરવામાં આવી હતી અને અહીં પ્રતીક એક બકરી છે. આ ફિલ્મમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામનો પોતાના લાભ માટે ઉપયોગ કરવાની વૃત્તિ દેશના રાજકારણમાં ચાલી રહી છે એના પર આ એક કટાક્ષ છે. કેટલાક ભણેલા જાગૃત લોકો આ ખેલનો પર્દાફાશ કરવાનો પ્રયત્ન કરે છે પણ શું તેઓ સફળ થશે? દુનિયાભરમાં વિવિધ ફેસ્ટિવલ્સમાં રજૂ થનારી ફિલ્મ ‘ગાંધીની બકરી’ હવે કાન્સમાં રજૂ થશે.
‘ગાંધીની બકરી’ ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, મનીષ પાટડિયા, કિરણ જોષી, ડિમ્પલ ઉપાધ્યાય, શૈલેન્દ્ર વાઘેલા અને ગોપી દેસાઈ જેવા જાણીતા કલાકારો અભિનય કરી રહ્યા છે. ફિલ્મનાં ગીતો જાણીતા ગુજરાતી સાહિત્યકાર ચિનુ મોદીના છે તેમજ ફિલ્મમાં સંગીત જાણીતા નાટ્યકાર નિમેષ દેસાઈના ‘બકરી’ નાટકમાંથી લેવામાં આવ્યું છે.