જેના પરથી બોલિવીડ પણ ફિલ્મ બનાવવા મજબુર થઈ ગયું એવી હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ની સિક્વલ ‘વશ લેવલ 2’ રિલીઝ થઈ ગઈ છે. આ વખતે ફિલ્મની કાસ્ટમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા અને હિતેન કુમાર સાથે મોનલ ગજ્જર પણ મહત્વના રોલમાં છે. આ સાઇકો હોરર થ્રિલર ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે.
કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત, ‘વશ લેવલ 2’ એ ભારતીય બોક્સ ઓફિસ પર 1.15 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે. જેમાંથી 75 લાખ રૂપિયા માત્ર ગુજરાતમાંથી આવ્યા છે, જ્યારે બાકીની 50-60 લાખ રૂપિયાની કમાણી હિન્દી ડબ વર્ઝન દ્વારા મળી છે.
તે ગુજરાતી ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગમાંની એક છે. ‘વશ લેવલ 2’ એ મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની ‘3 એક્કા’ને પાછળ છોડી દીધી, જેણે 1.10 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી અને નિર્માતાઓ માટે મોટી સફળતા સાબિત થઈ હતી.‘વશ લેવલ 2’ને અત્યાર સુધી દર્શકો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે, જેનો અર્થ એ છે કે ફિલ્મમાં તેનો લાભ મળવાની પણ શક્યતા છે. જાનકી બોડીવાલા પહેલી ફિલ્મના હિન્દી વર્ઝનની બોલિવૂડ ફિલ્મ ‘શૈતાન’માં પણ હતી અને તેને એ ફિલ્મ માટે એવોર્ડ પણ મળ્યો તેથી તે પણ હવે જાણીતી એક્ટ્રેસ બની ગઈ છે. આ ફિલ્મને તેનો પણ લાભ મળશે. જાનકી બોડીવાલા અભિનીત આ ફિલ્મની આવકમાં સપ્તાહના અંતે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ હિન્દી બજારોમાં પણ અસાધારણ વધારો જોવા મળે તેવી અપેક્ષા છે. આગામી દિવસોમાં ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. એ નોંધવું જોઈએ કે આ સુપરનેચરલ ફિલ્મને હિન્દીમાં ‘પરમ સુંદરી’ સામે પણ સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે.






