ઝીટીવીના રિયલિટી શો ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’માં ગુજરાત રૉકર્સની કૅપ્ટન ભૂમિ ત્રિવેદીનું કહેવું છે કે આ શો થકી તેની સર્જનાત્મકતામાં વધારો થયો છે. ભૂમિ ત્રિવેદી ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’માં ગીતો તો ગાય છે, પણ ક્યારેક ગીતોમાં ગુજરાતી ટ્વિસ્ટ લાવવા લિરિક્સ પણ લખે છે. ભૂમિ ત્રિવેદીને ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’ના સ્ટેજ થકી ગુજરાતી સંગીત ખરેખર શું છે એ દર્શાવવાનો મોકો મળ્યો છે. ભૂમિ ત્રિવેદી કહે છે, ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગમાં અમે ૪-૫ ગીતોના મૅશઅપને બદલે એક કે બે ગીતો પર્ફોર્મ કરીએ છીએ, જે ખરેખર સારી વાત છે. હું એવું માનું છું કે ગીતોનું મૅશઅપ કરવું એ ખરી સર્જનાત્મકતા નથી. મારા મતે ક્રીએટિવિટી એ છે જેમાં ઓરિજિનલ, મીનિંગફુલ અને કર્ણપ્રિય સૉન્ગ્સ રસપ્રદ જોનર સાથે પ્રમોટ થાય. ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’માં મને એ ક્રીએટિવિટી બહાર લાવવાનો મોકો મળ્યો છે. ગુજરાતી ફોક રેપ ‘સપાકરુ’ ગાવાની મજા હાલ લઈ રહી છું, ગુજરાતી સંગીત એટલે ફક્ત ગરબા અને દાંડિયા જ નથી, ઘણું બધું છે. એ જ પ્રમાણે અન્ય રાજ્યોના સંગીતકરોએ પણ સંગીત થકી પોતાની સંસ્કૃતિ ઉજાગર કરવી જોઈએ.’