વર્ષ 2018 માં મૂળ કન્નડ ભાષામાં નિર્માણ પામેલી અને હિન્દી ભાષામાં ડબ્ડ થયેલી એક ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં તે સમયે જોઈને ઓળખી જવાય એવો કોઈ જાણીતો ચહેરો ન હતો, અધૂરામાં પૂરું ફિલ્મનું નહિવત પ્રમાણમાં માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. મુખ્ય વાત તો એ હતી કે, આ ફિલ્મ રીલિઝ પણ ભારતના સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ ઝીરો સાથે થઈ હતી. આ ફિલ્મ બીજી કોઈ નહીં પરંતુ અત્યારે આખા ભારતમાં જાણીતું નામ બનેલા યશની KGF હતી. ફિલ્મની વાર્તા, પાત્રો અને સંગીતમાં એટલો રુઆબ હતો કે તેને ન ફક્ત એક સુપરસ્ટારની ફિલ્મ સામે બાથ ભીડી હતી પરંતુ આ ફિલ્મ આગળ જતા આખા કન્નડ સિનેમા જગતની ઓળખાણ પણ બની હતી. ગુજરાતમાં બનેલી ગુજરાતી ભાષાની “સમંદર” ફિલ્મ પણ આખા ગુજરાતી સિનેમા જગતની ઓળખાણ બનવાની ત્રેવડ ધરાવે છે. વિશાળ વડા વાલા ‘સૈયર મોરી રે’ બાદ આ પ્રસ્તુતિ લઈને આવ્યા છે, જેમાં ગુજરાતના સમુદ્ર કિનારાની સુગંધ છે, વટની વાર્તા છે, આંખે ઉડીને વળગે તેવા પાત્રો છે અને રૂવાડે રૂવાડે ભાવ જગાડે તેવું સંગીત છે.ફિલ્મની વાર્તા બે પાક્કા ભેરુ ઉદય અને સલમાનની આસપાસ ફરે છે. પોરબંદરના દરિયાકિનારે વટ, વચન અને વેરની આ વાર્તા આકાર લે છે. ઉદય અને સલમાન પોતાની ભાઈબંધીને શક્તિ બનાવી કેવી રીતે ગેંગસ્ટર બને છે અને ત્યાર બાદ રાજનીતિમાં પ્રવેશ કરે છે. દરિયા કિનારો, રાજનીતિ, દાવપેચ, પ્રેમ અને વેર કેવી રીતે બંને મિત્રોના જીવનમાં વળાંક લાવે છે તેની આ સંપૂર્ણ વાર્તા છે.