ગુજરાત ભાજપના પ્રમુખ પદે પાટીદાર જ આવશે તેવી વહેતી થયેલી વાતો વચ્ચે ભાજપ હાઈ કમાન્ડે પટેલના બદલે પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવીને ગુજરાત ભાજપને ચોંકાવી દીધું છે. એટલું જ નહીં ગુજરાતમાં સત્તાધારી ભાજપના મુખ્યમંત્રી કે પ્રદેશ પ્રમુખ તરીકે હવે પાટીદાર પાવર પૂરો કરી દીધો હોય તેવી ચર્ચા ચાલી રહી છે.ગુજરાતમાં વર્ષોથી પાટીદારો ભાજપ સમર્થક જ રહ્યા છે. જેના લીધે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત ભાજપમાં ઉચ્ચ હોદ્દા એટલે કે પ્રદેશ પ્રમુખ અથવા તો મુખ્યમંત્રી પદે પટેલ પાવર જ ચાલ્યો છે. પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ બદલાયેલા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પાટીદારને બદલે વિજય રૂપાણીને મૂકવામાં આવ્યા હતા. પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર એવા જીતુ વાઘાણીને રાખવામાં આવ્યા હતા. પરંતુ ભાજપ હાઈ કમાન્ડે એકાએક ગુજરાત ભાજપમાંથી પાટીદાર પાવર ઘટાડી દઈને એક બિન ગુજરાતી સી. આર. પાટીલને નવા પ્રદેશ પ્રમુખ બનાવતા ભાજપના પ્રદેશ નેતાઓમાં ખૂબ મોટો ચર્ચાનો વિષય બની ગયો છે.