ચન્દ્રયાન-૩ને ૧૪ જુલાઈએ લૉન્ચ કરાશે…

0
244

ઇસરો (આઇએસઆરઓ – ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)એ એના ચન્દ્રયાન-૩ મિશનને આંધ્ર પ્રદેશમાં શ્રીહરિકોટા ખાતે સ્પેસ પોર્ટ પરથી ૧૪ જુલાઈએ લૉન્ચ કરવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. ઇસરોનું નવું હેવી લિફ્ટ લૉન્ચ વેહિકલ એલવીએમ-૩ આ મૂન મિશનને પાર પાડશે. લૉન્ચ માટે બપોરે ૨.૩૫ વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
ચન્દ્રયાન-૩ મિશન વિશેષ છે, કેમ કે અત્યાર સુધી દુનિયાના જેટલા પણ દેશોએ ચન્દ્ર પર પોતાનાં મિશન્સ મોકલ્યાં છે એનું લૅન્ડિંગ ઉત્તર ધ્રુવ પર થયું છે. ચન્દ્રયાન-૩ પહેલું એવું સ્પેસ મિશન હશે જે ચન્દ્રના દ​ક્ષિણ ધ્રુવ પર ઊતરશે. ચન્દ્રયાન-ટૂને પણ ચન્દ્રના દ​ક્ષિણ ધ્રુવ પર જ લૅન્ડ કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લી થોડી મિનિટમાં કનેક્શન તૂટવાને કારણે મિશન ફેલ થયું હતું.
ચન્દ્રયાન-૩નું લૅન્ડર ૨૩ કે ૨૪ ઑગસ્ટે ચન્દ્રની સપાટી પર સૉફ્ટ-લૅન્ડ થશે એવી અપેક્ષા છે. ચન્દ્રયાન-૩ના લૅન્ડરમાં ચાર પેલોડ્સ છે. રોવરમાં બે પેલોડ છે. ચન્દ્રયાન-૩ના લૅન્ડર અને રોવરને ચન્દ્રયાન-ટૂનાં જ લૅન્ડર અને રોવરનું નામ આપવામાં આવ્યું છે. એટલે કે ચન્દ્રયાન-૩ના લૅન્ડરનું નામ વિક્રમ છે, જ્યારે રોવરનું નામ પ્રજ્ઞાન છે.
ઇસરો અનુસાર ચન્દ્રયાન-૩નો હેતુ ચન્દ્રની સપાટી પર એક સેફ અને સૉફ્ટ લૅન્ડિંગ અને રોવિંગ ક્ષમતાઓ પર્ફોર્મ કરવાનો છે. ચન્દ્રના ધ્રુવીય પ્રદેશની સપાટી પર લૅન્ડર ઊતરશે અને એમાંથી રોવર બહાર આવશે અને ચન્દ્રની સપાટી પર ફરવાનું શરૂ કરશે.
એ ચન્દ્રની સપાટીના ગુણો વિશે જાણકારી પૂરી પાડશે. લૅન્ડરની સાથે કેટલાક પૅલોડ્ઝ પણ જશે અને એ સપાટી પર જુદા-જુદા એક્સપરિમેન્ટ્સ અને તપાસ પણ કરશે. આ પ્રયોગ ચન્દ્રના એક દિવસ દરમ્યાન કરવામાં આવશે. એટલે કે પૃથ્વીના લગભગ ૩૦ દિવસ લાગશે. લગભગ ૧૫ દિવસ પછી રાત થશે અને તાપમાન શૂન્યથી ૧૩૦ ડિગ્રી સેન્ટિગ્રેડ કે એનાથી ઓછું થઈ જશે. અત્યંત ઠંડીની લૅન્ડર પર કેટલી અસર થશે એ એક સવાલ છે. એટલા માટે જ શરૂઆતના પંદર દિવસ ખૂબ જ મહત્ત્વના રહેશે.