ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? ઘણા નામો પર અટકળો ચાલી રહી છે. જેમાં કેન્દ્રીય મંત્રીઓથી લઈ બીજા ઘણા નામ છે. ચાલો જાણીએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોના-કોના નામોની ચર્ચા ચાલી રહી છે.ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશના બીજા સૌથી મોટા બંધારણીય પદ માટે દોડાદોડી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. પરંતુ અસલી રાજકારણ તો હવે શરૂ થશે. નિયમો અનુસાર, ધનખડના રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 60 દિવસની અંદર યોજવી ફરજિયાત છે. જોકે, બિહાર વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, તેથી આ ચૂંટણીને માત્ર બંધારણીય પ્રક્રિયા તરીકે જ નહીં, પરંતુ બિહાર ચૂંટણીની રણનીતિના દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે. છેલ્લા એક દાયકામાં ભાજપ સરકારે મુખ્ય બંધારણીય પદોની નિમણૂકો આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ કરી છે અને આ તક અપવાદ લાગતી નથી.






