જન્માષ્ટમીની રાત્રે સેક્ટર-30 ઢોરના ડબ્બે 25થી 30 લોકોએ હુમલો કરીને 185 જેટલી ગાયો છોડાવી દીધી હતી. અગાઉ જન્માષ્ટમી અને ઉત્તરાયણ પર્વે રાજ્યભરમાં પકડાયેલી ગાયોને છોડી મુકાતી હતી. જોકે છેલ્લા બે વર્ષથી આ સિરસ્તો બંધ કરાતા ગાંધીનગરમાં ઉશ્કેરાયેલા 25થી 30 પશુપાલકોએ જન્માષ્ટમી હોવા છતાં ગાયો કેમ છોડી નથી કહીં સિક્યુરિટી ગાર્ડ સહિતના કર્મચારીઓને માર મારીને ઢોરડબ્બો ખોલી દીધો હતો. જે મુદ્દે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ધાડ, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર પોલીસે તાત્કાલિક અસરથી 13 લોકોને દબોચી લીધા હતા. જેઓની પાસેથી પોલીસે પાંચ બાઈક અને પાંચ મોબાઈલ જપ્ત કર્યા છે.