મેલેરિયા અને ડેન્ગ્યુલક્ષી હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી જે અંતર્ગત ગાંધીનગરજિલ્લામાં કુલ એક હજારથી વધુ આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં ત્રણ દિવસ દરમિયાન ૧.૨૧ લાખ ઘરોની કુલ ત્રણ લાખ વસ્તીને આવરી લેવામાં આવી હતી. જેમાંથી બે હજાર જેટલા તાવના દર્દીઓ મળી આવ્યા હતા જ્યારે કુલ પાંચ હજાર જગ્યાએથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા જેનો તાત્કાલિક નાશ કરીને ગામોમાં આરોગ્યલક્ષી જાગૃતિ પણ ફેલવવામાં આવી હતી.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં હાલ ડેન્ગ્યુના દર્દીઓ ખાસ પ્રકાશમાં આવી રહ્યા છે. દિવસેને દિવસે આ છુટાછવાયા કેસની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે તેવીસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે.
જેમાં આરોગ્યકર્મીઓ દ્વારા દરેક ઘરની મુલાકાત લે છે અને ત્યાં પાણીના પાત્રોની તપાસ કરે છે. ટાંકી, કુંડા, ચકલોડીયા, છાપરાં તેમજ નકામી પડી રહેતી જગ્યાએ પણ ચેકીંગ કરવામાં આવે છે તો શંકાસ્પદલક્ષણો ધરાવતા દર્દીઓના લોહીના નમુના લઇને તેને લેબોરેટરી માટે પણ મોકલવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લામાં આશા બહેનોથી લઇને મેલેરિયા અધિકારી અને આરોગ્ય અધિકારી સહિત કુલ એક હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીમાં જોતરાયા હતા અને લારવા તથા તાવના દર્દીઓ શોધવાની સાથે સાથે ગ્રામજનોમાં આરોગ્યલક્ષી જાગૃતિ વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.આ અંગે મેલેરિયા વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કુલ ૧.૨૧ લાખ ઘરોમાં આરોગ્ય કર્મી દ્વારા તપાસ કરવામાં આવી છે.
આ તપાસ દરમિયાન જિલ્લાની કુલ ત્રણ લાખથી પણ વધુ વસ્તીને આવરી લેવામાં આવી છે. ત્યારે હાઉસ ટુ હાઉસ સર્વેમાં પાણીના પાત્રોમાંથી મોટા પ્રમાણમાં મચ્છરોના પોરા પણ મળી આવ્યા છે. જિલ્લામાં આ ત્રણ દિવસો દરમિયાન કુલ પાંચ હજાર જેટલી જગ્યાએ મચ્છરોના પોરા મળી આવ્યા છે જેમનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો છે. તો સર્વે દરમિયાન બે હજાર જેટલા ગ્રામજનોને તાવ આવતો હોવાનું પણ સર્વેમાં સામે આવ્યું છે.