તાજેતરમાં થિએટરમાં રિલીઝ થયેલી રાની મુખર્જી અને યશરાજ ફિલ્મ્સની ‘મર્દાની 3’ હાલ ચર્ચામાં છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં ગુજરાતની નેશનલ અવોર્ડ વિજેતા એક્ટ્રેસ જાનકી બોડીવાલા પણ એક યુવા પોલિસ ઓફિસરનો રોલ કરી રહી છે. નવગુજરાત સમય સાથેની ખાસ વાતચીતમાં તેણે આ ફિલ્મ સાથેના પોતાના અનુભવો વિશે વાત કરી હતી.
જાનકીની આ બીજી હિન્દી ફિલ્મ છે, આ પહેલાં તેણે અજય દેવગન અને આર માધવન સાથે ‘શૈતાન’માં કામ કર્યું હતું. ત્યારે આ પાત્રના પ્રતિસાદ અંગે જાનકી જણાવે છે, “મારું ઇન્સ્ટાગ્રામ લોકોના ડીએમ્સથી ભરાઈ ગયું છે, મને એટલા મેસેજ આવી રહ્યા છે કે મારા માટે સંભાળવા મુશ્કેલ થઈ રહ્યા છે.”
આ પહેલાં ચુલબુલી છોકરી કે વશ અને શૈતાન જેવા ગંભીર કરી ચુકેલી જાનકી મર્દનીના ફાતિમાના રોલ અંગે જણાવે છે,“મેં જ્યારે સ્ક્રીપ્ટ વાંચી ત્યારે પહેલો વિચાર આવો જ આવેલો. મને આ પાત્રનો ગ્રાફ બહુ ગમ્યો હતો. મેં તરત જ આ ફિલ્મ માટે હા પાડી દીધી હતી. આ પાત્ર પણ નવી ઓફિસરનું છે, છતાં તેનામાં સાહસ અને જુસ્સો તો છે. તેથી તેનામાં જે સહકાર અને ટેકાની જરૂર છે, તે શિવાંગી શિવાજી રોય તેને ટેકો આપે છે. શરૂઆતમાં તે શાંત અને ગભરુ છે પણ ધીરે ધીરે તે પણ આત્મવિશ્વાસુ બને છે. મેં જેવી વર્ધી પહેરી કે તરત જ મારી પીઠ સીધી થઈ ગઈ અને મારામાં આપોઆપ જાણે એક રુઆબ આવી ગયો હોય અને મારા ખભ્ભા પર જવાબદારીઓ આવી ગઈ હોય એવો અનુભવ ચોક્કસ થયો હતો. મહિલા પોલીસકર્મીઓ પ્રત્યેનું મારું માન પહેલાં કરતાં પણ વધી ગયું છે.”






