એવેન્જર્સ ફ્રેન્ચાઈઝમાં બ્લેક વિડોનું પ્રખ્યાત અને લોકપ્રિય પાત્ર ભજવનાર સ્કારલેટ જોહન્સનની મચ અવેટેડ ફિલ્મ જ્યુરાસિક વર્લ્ડ રિબર્થ નો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે. આ ફિલ્મ 4 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. થીયેટર રિલીઝ પહેલા આ ફિલ્મનો સ્પેશિયલ પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો. આ શો બાદ ફિલ્મનો જે ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે તેમાં ફિલ્મના VFX અને જબરદસ્ત એકશન સીન્સની પ્રસંશા કરવામાં આવી છે. પ્રીમિયર શો જોનાર મોટાભાગના લોકો તેને સ્ટીવન સ્પીલબર્ગના લેવલની ફિલ્મ ગણાવી રહ્યા છે.જુરાસિક વર્લ્ડ રિબર્થ ફિલ્મમાં અન્ડર વોટર એકશન સીન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મની સ્ટોરીલાઈનને પણ જકડી રાખે તેવી ગણાવાઈ રહી છે. જેમાં 3 ખતરનાક ડાયનાસોરમાંથી ડીએનએ મેળવવાની પ્રક્રિયાની આસપાસ રસપ્રદ ઘટનાઓ ગૂંથવામાં આવી છે. મેડિકલ જાયન્ટ કંપનીઓને ડાયનાસોરના ડીએનએમાંથી માણસોને થતા હૃદયરોગની દવા બનાવવી છે. તેથી એક ટીમને વિષુવવૃતના જંગલોમાં મોકલવામાં આવે છે અને પછી શરુ થાય છે રોમાંચક સફર. ફિલ્મના ડાયરેક્ટર ગેરેથ એડવર્ડ્સ (Gareth Edwards) સ્ટીવન સ્પીલબર્ગના મોટા ચાહક છે તેથી તેમની ફિલ્મોમાં સ્ટીવન સ્પીલબર્ગ જેવો રોમાંચ ઊભો કરવાની કોશિશ કરી છે. તેમણે અંડરવોટર સીકવન્સ જે રીતે શૂટ કરી છે અને જે VFX ની કમાલ કરી છે તે કાબિલેદાદ છે.






