ટી20 વર્લ્ડ કપઃ ભારત આજે બાંગ્લાદેશ સામે જીત માટે ફેવરિટ

0
348

આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત તેના મિત્ર પાડોશી દેશ બાંગ્લાદેશ સામે સુપર 12ના મુકાબલામાં ટકરાશે. ભારતીય ટીમની નજર બાંગ્લાદેશને મ્હાત આપીને પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર રહેશે. ભારતીય ટીમ માટે ઓપનર કે એલ રાહુલના ફોર્મને લઈને ચિંતા છે જો કે કોચ રાહુલ દ્રવિડ તેને પૂરતી તક આપવાનું વલણ ધરાવે છે. ઈજાગ્રસ્ત દિનેશ કાર્તિકના સ્થાને રિશભ પંતને ટીમમાં અંતિમ ઈલેવનમાં લેવાશે જેથી તેને ઓપનરના વિકલ્પ તરીકે ઉતારવાનો નિર્ણય પણ ટીમ મેનેજમેન્ટ કરી શકે છે.  ભારતીય ટીમે ગત મેચમાં દક્ષિણ આફ્રિકા સામે અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું હતું અને પરિણામે લો સ્કોરિંગ મેચમાં ભારતનો પરાજય થયો હતો. ભારત બાંગ્લાદેશ સામે જીત માટે ફેવરિટ છે પરંતુ હંમેશા અણીના સમયે જ ભારતીય ટીમનો ધબડકો થતો જોવા મળતો હોય છે ત્યારે બાંગ્લાદેશ કોઈ અપસેટ ના સર્જે તેવો પ્રયાસ ભારતીય ટીમનો રહેશે. આફ્રિકા સામે ભારતની બોલિંગ પણ પ્રમાણમાં સાધારણ સ્તરની રહી હતી.

કે એલ રાહુલે ટી20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ત્રણ મેચમાં ફક્ત 22 રન જ કર્યા છે. જેથી મજબૂત બોલિંગ આક્રમણ સામે તેની ટેકનિકને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. કોચ દ્રવિડના સમર્થનને પગલે તેને ટીમમાં રમાડવામાં આવી શકે છે. બાંગ્લાદેશ પાસે સામાન્ય બોલિંગ એટેક છે અને ભારતીય બેટ્સમેનો પ્રથમ બેટિંગ લઈને જો મજબૂત સ્કોર ઉભો કરે છે તો પાછળથી બોલર્સનું કામ સરળ બની શકે છે. કોહલી, સૂર્યકુમારને બાદ કરતા ટીમના અન્ય બેટ્સમેનોએ પણ નોંધપાત્ર યોગદાન આપવું પડશે. કેપ્ટન રોહિતે પણ સારી શરૂઆત અપાવવાની સાથે ટીમને એકજૂટ રાખવાની જવબદારી નિભાવવી પડશે. હાર્દિક પંડ્યા પણ બેટથી ગત મેચમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નહતો જેથી તેની પાસેથી વધુ એક મોટી ઈનિંગની અપેક્ષા રહેશે.