ત્રણ રાજ્યોની ચૂંટણીના આજે પરિણામો ..

0
317

૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાંની સેમી ફાઇનલ મનાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ્સનાં તારણો ગઈ કાલે જાહેર કરવામાં આવ્યાં હતાં. એ મુજબ રાજસ્થાનમાં બીજેપીની સરકાર બનતી જણાઈ રહી છે. છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ તેમની ખુરશી જાળવી રાખશે, જ્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોટ કદાચ તેમની ખુરશી ગુમાવશે એવા સંકેતો મળે છે. મધ્ય પ્રદેશમાં બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે ટફ ફાઇટ જોવા મળી શકે છે. તેલંગણમાં સૌથી મોટો અપસેટ સર્જાઈ શકે છે કે જ્યાં કે. ચન્દ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ ૨૦૧૪માં રાજ્યની રચના કરવામાં આવી ત્યારથી સત્તા પર છે. ત્રણ એક્ઝિટ પોલ્સમાં કોઈ શંકા વિના તારણ આવ્યું છે કે આ ચૂંટણીમાં બીઆરએસના સ્થાને કૉન્ગ્રેસ સત્તા પર આવશે.

મિઝોરમ માટેના બે એક્ઝિટ પોલ્સ અનુસાર કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે એવી શક્યતા નથી. છત્તીસગઢમાં નવ એક્ઝિટ પોલ્સે કૉન્ગ્રેસ સત્તાવાપસી કરશે એવી આગાહી કરી છે.
એના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસ માટે સ્થિતિ સ્પષ્ટ નથી. કૉન્ગ્રેસ કદાચ શિવરાજ સિંહ ચૌહાણને સત્તા પરથી હટાવી નહીં શકે. ત્રણ મુદતથી મુખ્ય પ્રધાનપદે રહેલા બીજેપીના શિવરાજ માટે પણ કેટલાક પોલ્સમાં સારા સંકેત નથી. એકંદરે આ રાજ્યમાં બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે તગડી ફાઇટ જોવા મળી શકે છે. રાજસ્થાનમાં નવમાંથી સાત એક્ઝિટ પોલ્સે બીજેપી માટે કમ્ફર્ટેબલ જીતની આગાહી કરી છે. માત્ર બે એક્ઝિટ પોલે કૉન્ગ્રેસ માટે ચાન્સ બતાવ્યા છે. મોટા ભાગના એક્ઝિટ પોલ્સ અનુસાર બીજેપી ૧૯૯માંથી ૧૦૦થી વધુ બેઠકો પર જીત મેળવશે.
મિઝોરમમાં પાંચમાંથી માત્ર બે એક્ઝિટ પોલ્સમાં બીજેપી અને એના સાથી મિઝો નૅશનલ ફ્રન્ટને બહુમતી સીટ્સ આપી છે. આ રાજ્યમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળે એવા ચાન્સિસ વધારે છે.