દીપક ચાહરની હેટ્રિક : ભારતે ટી20 સિરીઝ જીતી લીધી

0
1479

શિવમ દૂબે અને દીપક ચાહરે વેધક બોલિંગ કરીને હેટ્રિક સાથે છ વિકેટ ખેરવતાં મોહમ્મદ નઇમની મહેનત પર પાણી ફેરવી દીધું હતું અને ભારતે રવિવારે અહીં રમાયેલી ત્રીજી ટી20 ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશને 30 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ભારત માટે લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરે પણ શાનદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી. દીપક ચાહરે માત્ર સાત રન આપીને છ વિકેટ ઝડપી હતી જેમાં હેટ્રિકનો સમાવેશ થતો હતો. તેણે 18મી ઓવરના છેલ્લા બોલે અને 20મી ઓવરના પહેલા બે બોલમાં વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશે ટોસ જીતીને નાગપુરની પિચ ઉપર ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરને અંતે પાંચ વિકેટે 174 રનનો સ્કોર નોંધાવ્યો હતો જ્યારે બાંગ્લાદેશે 19.2 ઓવરમાં 144 રન કર્યા હતા.

જોકે મોહમ્મદ નઇમ અને મોહમ્મદ મિથુને ભારત માટે ચિંતા પેદા કરી દીધી હતી. નઇમે સ્પિનર યુઝવેન્દ્રસિંહ ચહલની પહેલી ઓવરના પ્રથમ ત્રણ બોલે બાઉન્ડ્રી ફટકારી હતી. ચહલ આ સિરીઝમાં ભારત માટે સૌથી સફળ બોલર રહ્યો છે. મોહમ્મદ નઇમ અને મિથુને બીજી વિકેટ માટે 10.1 ઓવરમાં 98 રનની ભાગીદારી નોંધાવી હતી.

અંતે 13મી ઓવરમાં દીપક ચાહરે ફરીથી ભારતને મિથુનની વિકેટ રુપે ફરીથી સફળતા અપાવી હતી. ત્યાર પછીની ઓવરમાં શિવમ દૂબેએ ખતરનાક બેટ્સમેન મુશ્ફીકૂર રહીમને પહેલા બોલે જ આઉટ કરી દીધો હતો. આમ ભારતને અલગ અલગ ઓવરમાં પણ સળંગ બે બોલમાં બે વિકેટ મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here