ધ કેરલ સ્ટોરી રિવ્યુ: ટાઇમલાઇન અને રેફરન્સની કમી

0
254

‘ધ કેરલ સ્ટોરી’ શુક્રવારે થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ એના સબ્જેક્ટને કારણે ખૂબ ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કેરલાની મહિલાઓને કેવી રીતે કિડનૅપ કરીને તેમનું ધર્મપરિવર્તન કરીને આતંકવાદી બનાવવામાં આવતી હતી.

આ ફિલ્મને સુદીપ્તો સેન દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે તેમ જ વિપુલ અમૃતલાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં અદા શર્માએ શાલિનીનું પાત્ર ભજવ્યું છે, જે ધર્મપરિવર્તન બાદ ફાતિમા બને છે. શાલિની કેરલામાં નર્સનો કોર્સ કરતી હોય છે. તેની સાથે અન્ય સ્ટુડન્ટ્સ પણ હોય છે. એક હિન્દુ, એક મુસ્લિમ અને એક ક્રિશ્ચિયન હોય છે. આસિફાનું પાત્ર ભજવતી સોનિયા બલાની એ ત્રણ યુવતીઓનું બ્રેઇનવૉશ કરવાનું શરૂ કરે છે. એક દિવસ યુવતીની છેડતી થાય છે અને આસિફા કહે છે કે જે છોકરીઓ હિજાબ પહેરે છે તેને ખુદા બચાવે છે અને હિજાબ પહેરવાથી પુરુષોની ખરાબ નજરથી પણ દૂર રહી શકાય છે. કેટલાક યુવાનો આવી સ્ટુડન્ટ્સને પ્રેગ્નન્ટ કરતા હોય છે અને તેમની જાળમાં ફસાવતા હોય છે. આમાં કેટલાક મૌલવીઓ પણ સામેલ હોય છે. શાલિની એટલે કે ફાતિમા પ્રેગ્નન્ટ થાય છે અને તેને લાગે છે કે તેની દુનિયા હવે પૂરી થઈ ગઈ છે. એક દિવસ તે આ આતંકવાદીઓના ચુંગાલમાંથી ભાગી જાય છે અને અરેસ્ટ થઈ જાય છે. એ દરમ્યાન તે પોતાની સ્ટોરી કહે છે અને એ છે ‘ધ કેરલ સ્ટોરી.’

સુદીપ્તોએ સૂર્યપાલ સિંહ સાથે મળીને આ સ્ટોરી લખી છે. આ ફિલ્મના દરેક ડાયલૉગ અને દરેક દૃશ્ય હેટ સ્પીચ માટે બનાવવામાં આવ્યા હોય એવું લાગે છે. યુવાનોનું બ્રેઇનવૉશ કરીને તેમને આતંકવાદી બનાવવામાં આવે છે એ ખૂબ સિરિયસ ઇશ્યુ છે, પરંતુ અહીં એટલું સિરિયસલી લેવામાં નથી આવ્યું. અહીં ફક્ત ધર્મને વારંવાર ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મના ટ્રેલરમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેરલામાં અત્યાર સુધી ૩૨,૦૦૦ છોકરીઓ ગુમ થઈ ગઈ છે અને તેમને આતંકવાદી મિશન માટે મોકલવામાં આવી છે. જોકે એ વિશે વિવાદ થતાં એ આંકડો બદલીને ફક્ત ત્રણનો કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કહેવામાં આવ્યું છે કે એને સત્યઘટના પરથી બનાવવામાં આવી છે, પરંતુ ફિલ્મમાં એવા કોઈ રેફરન્સ નથી. ફિલ્મમાં ફક્ત અફઘાનિસ્તાન, ટર્કી અને સિરિયા જેવા દેશનાં નામ આપવામાં આવ્યાં છે. જોકે આ ઘટના ક્યારે બની હતી એની કોઈ ચોક્કસ ટાઇમલાઇન આપવામાં નથી આવી. ઔરંગઝેબ અને કેરલાને ઇસ્લામિક સ્ટેટ બનાવવાના કેટલાક ભડકાઉ ડાયલૉગ પણ છે.

અદા શર્માને પહેલા પાર્ટમાં ખૂબ બિચારી દેખાડવામાં આવી છે. તે નર્સનું ભણી રહી હતી, પરંતુ પ્રેગ્નન્ટ થાય તો દુનિયાનો અંત નથી થતો એનું તેને જ્ઞાન નથી એ માનવામાં નથી આવતું. તે ઇન્ટરવલ પછી તેની ઍક્ટિંગ દેખાડવાની ઘણી કોશિશ કરે છે, પરંતુ આ એક એવી ફિલ્મ છે જેમાં તે ગમે એટલી કોશિશ કરે તો પણ સ્ટોરી અને ડાયલૉગને કારણે એ માનવામાં નથી આવતું. અન્ય ઍક્ટરને પણ સ્ટોરીનો જે ડોઝ આપવામાં આવ્યો છે એને અનુરૂપ વર્તી રહ્યા છે, પરંતુ એ દર્શકો સાથે જરાય કનેક્ટ નથી થતું. કનેક્ટ થવા માટે ચોક્કસ સમય અને જગ્યા તેમ જ રેફરન્સ આપવાં જરૂરી છે જે અહીં નથી. સત્યઘટના પરથી પ્રેરિત કહેવામાં આવી રહી છે, પરંતુ એવી એક પણ માહિતી ફિલ્મમાં નથી, જેનાથી એવું લાગે કે આ સાચું હોઈ શકે. જોકે કેરલામાં ઘણી વાર એવા સમાચાર આવ્યા છે કે કિડનૅપ થઈ ગઈ અને આઇએસઆઇએસ કૅમ્પમાં મોકલી આપવામાં આવી છે. જોકે કોઈ ચોક્કસ કેસ અથવા તો પુરાવા સાથે ફિલ્મ બનાવવામાં આવી હોત તો વાત અલગ હતી.

ફિલ્મો દ્વારા ઘણા નરેટિવ સેટ કરી શકાય છે અને એ ડિરેક્ટર પર ડિપેન્ડ છે કે તે તેની ફિલ્મને કઈ દિશામાં લઈ જવા માગે છે. હજી તો ‘ટીપુ’ એટલે કે ટીપુ સુલતાનની ફિલ્મ પણ આવી રહી છે જેમાં એ દેખાડવામાં આવશે કે તે કેવી રીતે જબરદસ્તી લોકોનું ધર્મપરિવર્તન કરાવતો હતો.