દેશભરમાંથી પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જે હેઠળ ગુજરાતમાંથી આજે બીજી 55 ટ્રેનો રવાના થશે. તે પૈકી બિહાર 29, યુપી 21, ઝારખંડ 3 અને છત્તીસગઢ માટે 2 ટ્રેનો જશે. 85 હજાર શ્રમિકોને વતન મોકલાશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, ગુજરાત સંપૂર્ણ દેશમાં પરપ્રાંતિયો માટે ટ્રેન ચલાવવામાં પ્રથમ રહ્યું છે. 2જી મેએ માત્ર ટ્રેન ચલાવવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં 31 લાખથી વધુ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. 10 લાખ 15 હજાર ગુજરાતમાંથી પોતના વતનમાં ગયા છે. 21મીએ મધ્યરાત્રી સુધીમાં 699 ટ્રેનો અલગ અલગ રાજ્યમાં મોકલવામાં આવી હતી. આજે વધુ 55 ટ્રેનો સાથે કુલ 754 ટ્રેનો ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જવા માટે રવાના થઇ ગઇ હશે. આ ટ્રેનો મારફરતે 11 લાખ જેટલા લોકોને તેમના વતનમાં પહોંચાડાયા હશે.