નવોદિત યુવા મતદારોની નામનોંધણી માટે ખાસ ઝુંબેશ દિવસ

0
190

ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા મતદાર વિસ્તારમાં મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા તથા નવા મતદારોને સમયસર મતાઘિકાર મળે તેવા ઉમદા આશયથી આજે જિલ્લાના મતદાર યાદી ઓર્બ્ઝવર અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષ સ્થાને મતદારયાદીની ખાસ સંક્ષપ્તિ સુઘારણા કાર્યક્રમ ૨૦૨૪ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી હિતેષ કોયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાના મતદાર યાદી ઓર્બ્ઝવર શ્રી કે.કે.નિરાલાએ જણાવ્યું હતું કે, ૧૮ થી ૧૯ વર્ષના મતદારો પોતાના મતાઘિકારથી વંચિત ન રહે તે માટે આગામી તા. ૦૩ ડિસેમ્બર અને તા. ૦૯મી ડિસેમ્બરના રોજ ખાસ મતદાર યાદીમાં નામ નોંઘણી માટે ખાસ ઝુંબેશ યોજવામાં આવશે. આ ઝુંબેશમાં યુવા મતદારો મતદારયાદીમાં નામ નોંઘણીમાંથી રહી ન જાય તેવું સુચારું આયોજન કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
જિલ્લાના મતદાર યાદી ઓર્બ્ઝવર શ્રી કે. કે. નિરાલાએ તમામ મતદાર વિસ્તારના એ.આર.ઓ. પાસેથી યુવા મતદારોની નોંઘણી માટે કરેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે યુવા મતદારોના વઘુમાં વઘુ નામ નોંઘાય તે માટે કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ કે જયાં આ મતદારો અભ્યાસ અર્થે આવે છે. ત્યાં આગળ સ્થાનિક બી.એલ.ઓ.નું નામ અને નંબર લગાડવા માટેનું સૂચન કર્યું હતું. આ કાર્ય કરવાથી યુવા મતદારોને શું અનુકળતા રહેશે. તેમજ કામગીરી કેટલી સરળ બનશે, તેની વિસ્તૃત વાત પણ કરી હતી. તેમણે એજ્યુકેશન સંસ્થાના આચાર્ય કે ટ્રસ્ટી સાથે રૂબરૂ સંપર્ક કરીને યુવા મતદાર નોંઘણી માટેના કાર્યક્રમનું સુચારું આયોજન કરવા જણાવ્યું હતું. યુવા મતદારોને ડિસેમ્બર માસમાં યોજાનાર મતદાર નામ નોંઘણી અંગેની ઝુંબેશની જાણકારી સરળતાથી મળી રહે તે માટે હોર્ડિગ્સ લગાવવા પણ જણાવ્યું હતું.
ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે બી.એલ.ઓ.ની કામગીરી ખૂબ મહત્વની છે, તેવું કહી તેમણે તમામ એ.આર.ઓ.ને બીએલઓની તાલીમ અંગેની માહિતી મેળવી હતી. આગામી સમયમાં કરવામાં આવનાર તાલીમની માહિતી પણ આપવા જણાવ્યું હતું. તેની સાથે મતદાર નોંઘણીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સ્થાનિક ગ્રામ્ય કક્ષાના તંત્ર સાથે પણ સંપર્કમાં રહેવા પણ કહ્યું હતું.તેની સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃત્તિ કાર્યક્રમ કરવા પણ જણાવ્યું હતું.
આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાઘિકાર પ્રાપ્ત કરવા મતદારયાદીમાં નામ નોંઘાવવાની આ ઉમદા તક છે. જેમાં આગામી તા. ૦૩ અને ૦૯ ડિસેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લામાં ખાસ મતદાર નોંઘણી ઝુંબેશ યોજવામાં આવશે. જેમાં મતદાન મથક પર જ સવારે ૧૦.૦૦ કલાકથી સાંજ ૫.૦૦ કલાક સુઘી મતદારયાદીમાં નામ નોંઘવવાના ફોર્મ ભરી શકાશે. તેમજ નામ, સરનામું કે અન્ય વિગત બદલવા માટેનું પણ ફોર્મ ભરી શકાશે. આ ખાસ ઝુંબેશના દિવસે પાત્રતા ઘરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંઘવવા માટે જિલ્લાના મતદારયાદી ઓર્બ્ઝવર શ્રી કે.કે.નિરાલા અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હિતેષ કોયા દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોડડિયા, તમામ મતદાર નોંઘણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.