નેપાળમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પુરની સ્થિતિ…

0
69

નેપાળમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પુરની સ્થિત સર્જાઈ છે. પુર અને ભૂસ્ખલનને કારણે નેપાળમાં કુલ 170 લોકોના મોત નિપજ્યા છે. અને 150થી વધુ લાપતા છે. નેપાળથી ભારતમાં પ્રવેશતી નદીઓના જળસ્તરમાં પણ વધારો થઇ રહ્યો છે. બિહાર સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે સવારે 5 વાગ્યે વીરપુરના કોસી બેરેજમાંથી 6,61,295 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે 1968 પછી સૌથી વધુ છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટીમો પાળાઓની સુરક્ષા માટે દિવસ-રાત કાર્યરત છે. તેમના વતી સામાન્ય લોકોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ પૂર આશરે 17 લાખથી વધુ લોકોની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

ઓલ ઈન્ડિયા રેડિયોના પટના કેન્દ્રએ એક્સ પર આપેલી માહિતી અનુસાર કોસી અને ગંડક બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને 13 જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફેલાઈ ગયા છે. ઓલ ઈન્ડિયા રેડિયોએ અહેવાલ આપ્યો છે કે બાગમતી નદી શિયોહરમાં ખતરાના નિશાનથી બે મીટર ઉપર વહી રહી છે. આ સિવાય ઉત્તર બિહારના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.