પંજાબ વિધાનસભાની તમામ 117 બેઠક પર 63 ટકા મતદાન થયું. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 59 બેઠક પર 60 ટકાથી વધુ મતદાન થયું હતું. મતદાનની ટકાવારી વધવાની શક્યતા છે. પંજાબમાં 2017ની ચૂંટણી વખતે સરેરાશ 77.4 ટકા મતદાન થયું હતું. પંજાબમાં કુલ 1304 ઉમેદવારો મેદાનમાં હતા જેમાં 93 મહિલાઓનો સમાવેશ છે. ગિડરબહા વિધાનસભા બેઠક પર સૌથી વધુ 77.80 ટકા મતદાન થયું હતું. અમૃતસર સાઉથ સીટ પર સૌથી ઓછું 48.06 ટકા મતદાન થયું હતું. માનસા જિલ્લામાં સૌથી વધુ 73.34 ટકા મતદાન થયું હતું, જ્યારે મોહાલીમાં સૌથી ઓછું 53.10 ટકા મતદાન થયું હતું. માલવા રિજનમાં પડતા ઘણાં જિલ્લાઓમાં 65 ટકાથી વધુ મતદાન થયું હોવાનું ચૂંટણી પંચે કહ્યું હતું. કુલ 117 બેઠકો પૈકી 69 બેઠક આ રિજનમાં આવે છે.
ગુરદાસપુરમાં 64.59 ટકા, પઠાણકોટમાં 63.89 ટકા, તરણ તરણમાં 60.47 ટકા અને અમૃતસરમાં 57.74 ટકા મતદાન થયું હતું. જાલંધરમાં 58.47 ટકા મતદાન થયું હતું. કપુરથલામાં 62.46 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચે કહ્યું હતું કે 72 બેલટ યુનિટ્સ, 63 કંટ્રોલ યુનિટ્સ અને 649 વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઈલ(VVPATs) રિપ્લેસ કરવામાં આવ્યા હતા. આ તમામમાં ટેકનિકલ ખામીની ફરિયાદને પગલે આ નિર્ણય લેવાયો હતો. ચૂંટણીમાં ડિસરપ્શનનો એક પણ કિસ્સો બન્યો ન હતો.
પંચે કહ્યું હતું કે કેટલાક સ્થળે નાની-મોટી ઘર્ષણની ઘટના બની હતી જે સંબંધે કુલ 18 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 80 વર્ષથી વદુ વયના લોકો અને દિવ્યાંગ લોકો માટે મતદાનસ્થળ સુધી પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. 196 મતદાન મથક માત્ર મહિલાઓ માટે તૈયાર કરવામાં આવ્યા હતા, જ્યારે 70 બૂથનું સંચાલન દિવ્યાંગ લોકો દ્વારા કરવામાં આવ્યું હતુ.
રાજ્યમાં બહુકોણીય જંગ છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિરોમણિ અકાલી દળ(એસએડી)-બીએસપી જોડાણ, ભાજપ- PLC-SAD (સંયુક્ત) ગઠબંધન મેદાનમાં છે. ખેડૂતોના વિવિધ સંગઠને રચેલી રાજકીય પાર્ટી સંયુક્ત સમાજ મોરચો પણ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યો છે.દરમિયાન ઉત્તર પ્રદેશમાં 59 સીટ પર સરેરાશ 60 ટકાથી વધુ મતદાન થયું હતું. હાથરસમાં 63 ટકા, ફિરોઝાબાદમાં 62 ટકા, કાસગંજમાં 63 ટકા, ઈટામાં 66 ટકા ફરુખાબાદમાં 59 ટકા, કનૌજમાં 62 ટકા મતદાન થયું હતું. કાનપુર દેહાતમાં 60 ટકા, કાનપુર નગરમાં 56 ટકા ઝાંસીમાં 58 ટકા મતદાન થયું હતું.સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ અને ભાજપના એસ.પી. સિંહ બઘેલ વચ્ચે કરહલ બેઠક પર ખરાખરીનો મુકાબલો છે.