પશ્ચિમ બંગાળમાં વધી રહ્યો છે એડેનોવાયરસનો કહેર

0
215

પશ્ચિમ બંગાળમાં દિવસે ને દિવસે એડેનોવાયરસનો ખતરો વધી રહ્યો છે. એડેનોવાયરસના કારણે છેલ્લા નવ દિવસમાં 40 બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. સીએમ મમતા બેનર્જીએ એડેનોવાયરસથી રક્ષણ મેળવવા માટે રાજ્ય સરકારની તૈયારીઓને લઇને જાણકારી આપી હતી. ત્યારે રવિવારના રોજ પણ 6 બાળકોના મોતના સમાચાર મળી રહ્યા છે.

છેલ્લા 13 કલાકમાં મૃત્યુ પામેલા તમામ બાળકોને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા સામાન્ય એડેનોવાયરસ લક્ષણો માટે સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ બાળકો સ્વસ્થ થઈ રહ્યા ન હતા.

આ વાયરસથી નાના બાળકોને વધુ જોખમ છે. બાળકોમાં એડેનોવાયરસ સામાન્ય રીતે શ્વસન અને આંતરડાના ચેપનું કારણ બને છે. ડોકટરોએ જણાવ્યું હતું કે, 0-2 વર્ષના બાળકોને ચેપનું સૌથી વધુ જોખમ હોય છે અને 2-10 વર્ષની વયના બાળકો પણ આ રોગથી સંક્રમિત થઇ શકે છે. રાજ્યના આરોગ્ય વિભાગે પહેલાથી જ ડોકટરો, ખાસ કરીને બાળરોગ ચિકિત્સકો માટે એડવાઈઝરી જારી કરી છે. આ હેઠળ ફ્લૂ જેવા લક્ષણો સાથે દાખલ બાળકોની વિશેષ કાળજી લેવી જોઈએ. બાળકો એડેનોવાયરસથી પ્રભાવિત થવા માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે.

એડેનોવાયરસના લક્ષણોમાં શરદી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા, ગળામાં દુખાવો અને તીવ્ર બ્રોન્કાઇટિસનો સમાવેશ થાય છે. વાયરસ ત્વચાના સંપર્ક દ્વારા, હવા દ્વારા ઉધરસ અને છીંક દ્વારા અને ચેપગ્રસ્ત વ્યક્તિના મળ દ્વારા ફેલાય છે. હાલમાં, વાયરસની સારવાર માટે કોઈ માન્ય દવાઓ અથવા કોઈ વિશિષ્ટ સારવાર નથી. હાલ સારવાર માટે ડોક્ટરો પેન કિલર્સ અથવા આના લક્ષણોમાં સારવાર માટે કામ આવનારી દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે.