ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે અને તેને કાબૂમાં લેવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે છતાં તંત્રને નિષ્ફળતા મળી છે. શુક્રવારે સેક્ટર-14 ગોકુળપુરામાંથી કોલેરાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી આ વિસ્તારમાં કોલેરાના ચાર દર્દીઓ થયા છે.
આરોગ્ય તંત્રની 10 ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન શુક્રવારે ઝાડા- ઊલ્ટીના નવા 24 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જેને સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય તંત્રની ટીમો દ્વારા આ વિસ્તારમાં દવાઓ અને ઓઆરએસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બે દિવસમાં 50 જેટલા ઝાડા- ઊલ્ટીના કેસો મળી આવ્યા છે. જેથી સ્થળ પર જ સારવાર મળી રહે તે માટે સ્થાનિક આંગણવાડીમાં 24 કલાક કાર્યરત રહે તેવી ઓપીડી પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પાણી અને ડ્રેનેજની લાઇનનું ચેકિંગ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પીવાનું પાણી માત્ર ટેન્કર અને ફિલ્ટર વોટર જગ મારફતે મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે જિલ્લામાં એકસાથે દહેગામ, કલોલ, ગાંધીનગર શહેર અને ચિલોડા પંથકમાં શિહોલી મોટીમાં કોલેરાના કેસ આવ્યા બાદ 15 દિવસ પછી પણ ગાંધીનગર શહેરમાં કોલેરાના કેસ પર નિયંત્રણ આવ્યું નથી. ગાંધીનગર શહેરના 5 વિસ્તારો કોલેરાગ્રસ્ત બની ચૂક્યા છે.