ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના વાયરસના ફેલાવાના કારણે 14 દિવસ માટે ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવતા વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે. હાલમાં પાટનગરમાં ક્વોરન્ટાઇન જાહેર કરવામાં આવેલા વ્યક્તિઓની સંખ્યા 399ને પાર પહોંચી ગઇ છે. જ્યારે ગાંધીનગર તાલુકા વિસ્તાર, દહેગામ, કલોલ અને માણસામાં ક્વોરન્ટાઇન વ્યક્તિઓની સંખ્યા 460ના આંકડાને પાર કરી ગઇ છે. પાટનગરમાં જોકે કોઇ વ્યક્તિ ખાનગી સુવિધામાં મતલબ કે હોટલમાં ક્વોરન્ટાઇન નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કલોલમાં 31 અને માણસામાં 10 ણળીને 41 લોકો ખાનગી ફેસીલીટીમાં ક્વોરન્ટાઇન થયેલા છે.
ગ્રામ્ય વિસ્તારમાં હોમ ક્વોરન્ટાઇન હેઠળ 336 વ્યક્તિ અને સરકારી ફેસીલીટી સેન્ટરમાં 83 વ્યકિત છે. ગાંધીનગર તાલુકામાં કુલ 106 વ્યક્તિ, માણસા તાલુકામાં 135, કલોલ તાલુકામાં 121 અને દહેગામ તાલુકામાં 98 વ્યક્તિને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે. તેમાં 336 હોમ ક્વોરન્ટાઇન અને 83 સરકારી ફેસીલીટી સેન્ટરમાં છે. જ્યારે મહાપાલિકા વિસ્તારમાં 399 વ્યક્તિ પૈકીના 322 લોકો હોમ ક્વોરન્ટાઇન થયેલા છે. જ્યારે 77 વ્યક્તિ સરકારી ફેસીલીટી સન્ટરમાં ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે.