પાટનગર નું તાપમાન ૮ ડિગ્રી ઘટ્યું , લોકો ઠંડી માં ઠૂંઠવાયા

0
390

છેલ્લા એક સપ્તાહથી પવનની દિશા બદલાતા વાતાવરણમાં નાટ્યાત્મક પલટો આવ્યો હતો. પરંતુ માવઠા પછી ઉત્તરીય ઠંડા પવનો ફુંકાતા માત્ર 24 કલાકમાં જ નગરના લઘુત્તમ તાપમાનમાં 8 ડીગ્રી ગગડતા રવિવારે પારો સીંગલ ડિઝીટમાં એટલે કે 7.3 ડીગ્રીએ અટક્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ઠંડીનું જોર વધશે તેવી સંભાવનાનેકારણે હજુપણ આવી જ ઠંડી થોડા દિવસ ચાલુ રહેશે તેમ લાગી રહ્યુ છે.

છેલ્લા એકાદ માસથી નગરના વાતાવરણમાં નાટ્યાત્મક પલટાનો અનુભવ નગરવાસીઓ કરી રહ્યા છે. જેને પરિણામે અત્યાર સુધીમાં ભર શિયાળામાં ત્રણ ત્રણ માવઠા થયા છે. જોકે ચાલુ વર્ષે નગરવાસીઓને રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ ગત ડિસેમ્બર માસમાં થઇ ગયો છે. જોકે તાજેતરમાં જ માવઠાના કારણે નગરના વાતાવરણમાં આવેલા પલટાના કારણે નગરનું લઘુત્તમ તાપમાન 15 ડીગ્રીથી વધી ગયું હતું. જ્યારે માવઠા બાદ ઉત્તરીય ઠંડા પવનો ફુંકાતા ગત શનિવારથી નગરવાસીઓ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

ઠંડીને પગલે સાંજ ઢળતા જ નગરના માર્ગો ઉપર વાહન ચાલકોની ચહલ પહલ અટકી જતા જાણે સ્વંયભૂ કરફ્યુ જેવી સ્થિતિ બની જાય છે. જ્યારે ઠંડીને પગલે શ્રમજીવીઓની હાલત કફોડી બની રહેતા તાપણાના સહારો લેવાની ફરજ પડી રહી છે. જોકે ઠંડીનું જોર વધતા ઘઉં, બટાટા, વરીયાળી, જીરૂ, રાઇ, તમાકુ, શાકભાજી સહિતના પાકો માટે ફાયદાકારક બની રહેશે. હાલમાં રવી પાકનો વૃદ્ધીનો સમય ચાલી રહ્યો હોવાથી ઠંડીનું જોર વધતા રવી પાકની વૃદ્ધી સારી થવાથી ઉત્પાદન વધારે થવાની શક્યતા છે. રવિવારે નગરનું મહત્તમ તાપમાન 26 અને લઘુત્તમ તાપમાન 7.3 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે નગરના વાતાવરણમાં સવારે ભેજ 69 ટકા અને સાંજે ભેજ 55 ટકા રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here