પાટનગર પાણીજન્ય ટાઈફોઈડના ભરડામાં: તંત્ર એલર્ટ

0
172

ગાંધીનગરના જુના સેકટરોમાં પાણીજન્ય ટાઈફોઈડના રોગચાળાએ માથુંચકતા રહીશોમાં ભારે ચિંતા સાથે પાણી વિતરણ વ્યવસ્થા ઉપરાંત આરોગ્ય તંત્ર સામે પણ ગંભીર પ્રશ્નર્થ સર્જાયો છે.

છેલ્લા એક સપ્તાહથી જુના ગાંધીનગરના સેકટરો પૈકી ખાસ કરીને સે.૨૪, ૨૫, ૨૬, ૨૭ તેમજ આદીવાડા અને સે. ૨૮ ઔદ્યોગિક વસાહતના વિસ્તારોમાં શંકાસ્પદ ટાઈફોઈડના કેસ મોટા પ્રમાણમાં નોંધાવા પામ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે આરોગ્ય તંત્ર,મહાનગરપાલિકા, પાણી વિતરણ તંત્ર સહિત સંબંધિત વિભાગો દોડતા થઈ ગયા છે. મહાનગરપાલિકાની ૪૦ ટીમો દ્વારા ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપરપઝ હેલ્થ વર્કર, આશાબહેનોના ૮૦થી વધુ સ્ટાફ ઘરે ઘરે કરી સર્વેની કામગીરીમાં લાગી ગયો છે. ક્લોરીનની ટેબલેટ, ઓઆરએસના પેકેટ ઉપરાંત રોગચાળા સંદર્ભે જાગૃતિ માટેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે પાણી વિતરણ કામગીરીમાં પણ સુપર ક્લોરીનેશન પ્રત્યે સજાગતા રાખવાની સૂચના આપી, પાણીના લીકેજનું તત્કાલ સમારકામ કરી પાણીના સેમ્પલ પણ એકત્ર કરી પરીક્ષણ આટે મોકલી આપવામાં આવ્યા છે. જો કે તંત્ર દ્વારા દર્શાવાતા કેસોના આંકડાની સરખામણીમાં મોટી સંખ્યામાં કેસો હોવાનું સિવિલ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જોઈને જણાઈ રહ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને પાણી ઉકાળીને પીવા એ બ્રશ કરવા માટે પણ ગરમ પાણીનો ઉપયોગ કરવા સાથે જાગૃતિ દાખવવા જણાવાયું છે.