ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલા જૈન દેરાસરમાં તોડફોડ અને શેત્રુંજય પર્વતની સુરક્ષા સંદર્ભે જૈન સમાજની નારાજગી બાદ સરકાર હરકતમાં આવી હતી. તાજેતરમાં હર્ષ સંઘવીએ આ મામલે નિરાકરણ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાની તેમજ શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી ઉભી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ આજે મુખ્યમંત્રી દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શેત્રુંજય જૈન તિર્થ ક્ષેત્ર તેમજ પાલિતાણા પ્રશ્નો અંગે જૈન સમાજની રજૂઆત સંદર્ભે 8 સભ્યોએ એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ જૈન સમાજની માંગણીઓને ધ્યાનમાં લઈને જે-તે મુદ્દાઓનું નિરાકરણ કરવા કામ કરશે.
ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણામાં રચાયેલી આ ટાસ્ક ફોર્સના અન્ય સભ્યોમાં રેન્જ આઇ.જી. ભાવનગર, ઉપરાંત ભાવનગર જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક, ભૂ-સ્તર શાસ્ત્રી, જિલ્લા જમીન દફ્તર નિરિક્ષક અને પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર સભ્યો તરીકે રહેશે. જ્યારે ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પાલિતાણા રહેશે.
જણાવી દઈએ કે, એક મહિના પહેલા જૈન ધર્મના શ્વેતાંબર ખંડના એક સંગઠન શેઠ આણંદજી કલ્યાણજી પેઠીના સિક્યોરિટી મેનેજર જગદીશચંદ્ર મેઘાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં 26 અને 27 નવેમ્બર દરમિયાન રાતે આદિનાથ દાદાના પગલાને ખંડિત કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતુ.
પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, આરોપીઓએ જૈન ધર્મના 24માં તીર્થંકર પૈકી પ્રથમ ભગવાન આદિનાથના આરસના પગલાની આંગળીઓ તોડી નાંધી હતી. જેના કારણે જૈન સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે.