કલકત્તામાં આજે ઐતિહાસિક ટેસ્ટ મૅચ રમાવાની છે, કારણ કે ઇન્ડિયા પહેલી વાર ડે-નાઇટ મૅચ અને એ પણ પિન્ક બૉલ સાથે રમવાની છે. જોકે બે મૅચની આ સિરીઝમાં ઇન્ડિયા સિરીઝ જીતવા માટે કમરતોડ મહેનત કરશે. આજથી શરૂ થઈ રહેલી આ મૅચ ઇન્ડિયા અને બંગલા દેશ બન્ને માટે ખૂબ જ મહત્ત્વની અને મુશ્કેલ રહેશે. પિન્ક બૉલથી કેવી બોલિંગ થાય છે અને ફીલ્ડિંગમાં પણ શું અસર પડશે એની પ્લેયર્સને પણ ગ્રાઉન્ડ પર ખબર પડશે.
પહેલી ટેસ્ટ મૅચ ઇન્દોરમાં રમાઈ હતી, જેમાં ઇન્ડિયાએ ઇનિંગ અને 130 રનથી વિજય મેળવ્યો હતો. આઇસીસી વર્લ્ડ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ ટેબલમાં ઇન્ડિયા હાલમાં નંબર-વન પર છે. ટેસ્ટ ચૅમ્પિયનશિપની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઇન્ડિયા તમામ સિરીઝ જીત્યું છે. તેમણે વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા બન્નેનો વાઇટવૉશ કર્યો છે અને હવે બંગલા દેશનો પણ વાઇટવૉશ કરવા આજથી આકરી મહેનત કરશે.
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ બન્યા બાદ સૌરવ ગાંગુલીએ ટેસ્ટ મૅચને ભવ્ય બનાવવાનું બીડું ઝડપ્યું છે. એ માટે ટેસ્ટ પહેલાં આર્મીના જવાનો હૅલિકૉપ્ટરમાં આવીને બન્ને કૅપ્ટનને ટૉસ પહેલાં પિન્ક બૉલ આપશે તેમ જ ત્યાં પૉલિટિશ્યન, લેજન્ડરી સ્પોર્ટ્સ-પર્સન અને બૉલીવુડની સેલિબ્રિટીનો પણ જમાવડો જોવા મળશે. અત્યાર સુધી ઑસ્ટ્રેલિયાએ ડે-નાઇટ પિન્ક બૉલ ટેસ્ટની સૌથી વધુ વ્યુઅરશિપનો લહાવો લીધો છે. જોકે ઇન્ડિયા-બંગલા દેશની ટેસ્ટ મૅચ શરૂ થાય એના બે દિવસ પહેલાં જ ગાંગુલીએ કહ્યું હતું કે ચાર દિવસની ટિકિટ વેચાઈ ગઈ છે. ટેસ્ટ મૅચમાં આટલાબધા દર્શકો અને લેજન્ડરી ક્રિકેટરો વચ્ચે રમવા માટે પણ ઇન્ડિયન પ્લેયર્સ પર પ્રેશર રહેશે.