કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ધનુષના ફૅન્સને બુધવારે મોટી સરપ્રાઇઝ મળી છે, કારણ કે તેની આગામી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. દેશના 11મા રાષ્ટ્રપતિ અને દેશના મિસાઇલ મેન તરીકે ઓળખાતા સૌથી લોકપ્રિય વિજ્ઞાની ભારતરત્ન ડૉ.એપીજે અબ્દુલ કલામ પર ફિલ્મ બની રહી છે, તેની ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી હતી. નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર ઓમ રાઉત આ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે, જેમાં ધનુષ લીડ રોલમાં હશે. ઓમ રાઉત આ પહેલાં ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ જેવી દેશભક્તિની ફિલ્મ પણ બનાવ ચુક્યા છે. કલામ પરની આ ફિલ્મમાં ધનુષ લીડ રોલમાં જોવા મળશે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલ આર્ટ્સના અભિષેક અગ્રવાલ અને ટી-સિરીઝના ભુષણ કુમાર આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. જ્યારે ‘નીરજા’, ‘મૈદાન’ અને ‘પરમાણુઃધ સ્ટોરી ઓફ પોખરણ’ જેવી ફિલ્મ માટે જણીતા સૈવીન કૌદ્રાસ આ ફિલ્મનો સ્ક્રિન પ્લે લખશે એવા અહેવાલો છે. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયના નામથી લોકપ્રિય થયેલા એપીજે અબ્દુલ કલામ એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા અને એક જાણીતા એરોસ્પેસ વૈજ્ઞાનિક બનવા સુધીની સફર ખેડી હતી. તેઓ એક દીર્ઘદૃષ્ટા અને પાછળથી લોકપ્રિય રાષ્ટ્રપતિ રહ્યા હતા. ઓમ રાઉતે પોતાના સોશિયલ મીડિયા પર પણ આ અંગે જાહેરાત કરીને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું હતું, “રામેશ્વરમથી રાષ્ટ્રપતિભવન, એક મહાન વ્યક્તિની સફર શરુ થાય છે. ભારતના મિસાઇલ મેન મોટા પડદે આવી રહ્યા છે. મોટા સપનાં જુઓ. ઊંચી ઉડાન ભરો. કલામ- ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા”
આ ફિલ્મ ડૉ.કલામના મુલ્યોને વળગી રહીને બનાવાશે, એક મિસાઇલ પ્રોગ્રામ પાછળ કમ કરતી વ્યક્તિ, એક કવિહ્રદય રાષ્ટ્રપતિ, એક શિક્ષક અને એક સ્વપ્નદૃષ્ટા જેનો એક એક શબ્દ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને એકસમાન રીતે લઈને ચાલતો હતો.