ગાંધીનગર શહેરના માર્ગો પહોળા અને પાકા છે જેનાથી સેલીબ્રીટી પણ પ્રભાવિત થાય છે ત્યારે ગામડાઓના માર્ગોની હાલત તેનાથી વિપરીત છે. આવી સ્થિતિમાં પેથાપુરથી નારદીપુર સુધીના ૧૪ કીમીના માર્ગને પહોળો કરવા માટે સ્થાનિક ધારાસભ્ય દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેને લીલી ઝંડી મળી ગયા બાદ હવે કામગીરી આરંભવામાં આવશે. આ સાત મીટર પહોળા માર્ગને ૧૦ મીટર પહોળો કરાશે જેની પાછળ ૧૬ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
સ્થાનિકો અને ગ્રામજનો દ્વારા પેથાપુર-રાંધેજા-રૂપાલ-નારદીપુર માર્ગને પહોળો કરવા માટે વારંવાર ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડો.સી.જે.ચાવડાને રજુઆત કરવામાં આવતી હતી. જેને ધ્યાનમાં રાખીને આ રજુઆત તેમના દ્વારા માર્ગ મકાન વિભાગના મંત્રી નીતિન પટેલ સુધી પહોંચાડવામાં આવી હતી.આ માંગણી મંત્રીકક્ષાએથી સંતોષવામાં આવી હતી અને ગત નાણાકિય વર્ષમાં આ પેથાપુર-રાંધેજા-રૂપાલ-નારદીપુર સુધીના ૧૪ કીમીના માર્ગને પહોળો કરવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી હતી.
આ સાથે તેની પાછળનો અંદાજિત ખર્ચ રૂા.૧૬ કરોડ પણ ફાળવી આપ્યા હતા ગત ફેબુ્રઆરી માસમાં મંત્રીકક્ષાએથી મંજુરી મળ્યા બાદ સ્થાનિક કક્ષાએથી અહીંની ટોપોગ્રાફી સહિતની અન્ય કામગીરી હાથ ધરવામાં આવી છે.એટલુ જ નહીં, ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી છે ત્યારે આ ૧૪ કિલોમીટર સુધીના માર્ગને પહોળો કરવા માટેની કામગીરી આગામી દિવસોમાં આરંભવામાં આવશે.