ફરિયાદો નિવારણ માટે મનપાનો ટોલ ફ્રી નંબર કાર્યરત

0
520

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને પોતાની આસપાસની કોઇ ફરિયાદ કરવા અને સ્માર્ટ સીટી માટે કે અન્ય બાબતે યોગ્ય સૂચન કરવામાં સરળતા રહે તેવા ઉમદા આશયથી આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ટોલ ફ્રી નંબરની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૧૦૮ ૧૮૧૮ નો આરંભ મેયર શ્રી હિતેષ મકવાણાના હસ્તે કરવામાં આવ્યો હતો.આ ટોલ ફ્રી નંબર સવારના ૬.૦૦ કલાક થી રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી નાગરિકોની સુવિધામાં કાર્યરત રહેશે.
આ ટોલ ફ્રી નંબરનો આરંભ કરાવતાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જનસુખાકારીને પ્રધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં નાગરિકો સરળતાથી સફાઇની કામગીરી સહિત સ્માર્ટ સીટી અંતર્ગત થનાર કામગીરી અંગે તેમજ મહાનગરપાલિકાના વિકાસ કામમાં દિશા સૂચક બની રહે તેવા ઉત્તમ વિચારને રજૂ કરી શકે તે માટે આ ટોલ ફ્રી નંબરની સેવાનો આરંભ કરવામાં આવ્યો છે.
મેયરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સેવા શરૂ થવાના કારણે મહાનગરપાલિકાના રહીશોને કચેરી સુધી ફરિયાદ કરવા આવવું નહિ પડે. માત્ર આ ટોલ ફ્રી નંબર ઉપર પોતાની ફરિયાદ ખૂબ જ સરળતાથી નોધાવી શકશે. ઝડપી ફરિયાદનું નિવારણ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ કરનાર નાગરિકાના મોબાઇલ નંબર મેળવી તેમની ફરિયાદ મળ્યાની જાણ પણ મેસેજ દ્વારા કરવામાં આવશે. તે ઉપરાંત મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં ન આવતી ફરિયાદ હશે, તો તેની પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તેવું પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી જસંવતભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ર્ડા. ઘવલ પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
1800 108 1818

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here