બાંગ્લાદેશને હરાવી ભારત એશિયા કપની ફાઇનલમાં……

0
279

સુર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાનો વિજયરથ આગળ ધપાવતાં બુધવારે બાંગ્લાદેશને 41 રનથી આસાનીથી હરાવીને ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ભારત માટે આક્રમક ઓપનર અભિષેક શર્માએ વર્તમાન ટુર્નામેન્ટમાં તેનું ફોર્મ જાળવી રાખીને વધુ એક શાનદાર અડધી સદી ફટકારી હતી તો બોલિંગમાં સ્પિનર કુલદીપ યાદવે તરખાટ મચાવ્યો હતો. આ સાથે ગુરુવારે રમાનારી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ સેમિફાઇનલ સમાન બની ગઈ છે અને શ્રીલંકા બહાર થઈ ગયું છે. અહીં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ભારતે તેની 20 ઓવરમાં છ વિકેટે 168 રનનો સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશ 19.3 ઓવરમાં 127 રન કરી શક્યું હતું. જોકે બાંગ્લાદેશ માટે ઓપનર સૈફ હસને એક છેડે લડાયક બેટિંગ કરી હતી. નવમી વિકેટના રૂપમાં આઉટ થતાં અગાઉ તેણે 51 બોલમાં પાંચ સિક્સર અને ત્રણ ચોગ્ગા સાથે 69 રન ફટકાર્યા હતા.શુભમન ગિલ 19 બોલમાં 29 રન ફટકારીને રિશાદનો પહેલો શિકાર બન્યો હતો. તેણે બે ચોગ્ગા ઉપરાંત એક સિક્સર ફટકારી હતી. ત્યાર પછીની ઓવરમાં રિશાદે ભારતની વધુ એક વિકેટ ઝડપી હતી. બેટિંગમાં વહેલા મોકલાયેલા શિવમ દૂબે પાસેથી આક્રમક બેટિંગની અપેક્ષા હતી પરંતુ તે માત્ર બે રન કરીને આઉટ થઈ ગયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ (05) પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો અને એ અગાઉ એ જ ઓવરમાં અભિષેક શર્મા રનઆઉટ થયો હતો. ભારતના આ નવોદિત સુપર સ્ટારે 37 બોલમાં પાંચ સિક્સર સાથે 75 રન ફટકાર્યા હતા. અગાઉ પાકિસ્તાન સામેની મેચમાં પણ અભિષેકે પાંચ સિક્સર ફટકારી હતી જ્યારે તેણે 39 બોલમાં 74 રન ફટકાર્યા હતા. આ બંને ઇનિંગ્સમાં તેણે છ છ ચોગ્ગા ફટકાર્યા હતા.