બિહારના હાજીપુરમાં રવિવારે રાત્રે ભીષણ રોડ અકસ્માત થયો છે. એક પૂરપાટ ઝડપે આવેલા અનિયંત્રિત ટ્રક ચાલકે અનેક લોકોને કચડી નાખ્યા છે. બધા લોકો ગામાં ભોજન કર્યા બાદ રોડ નિકારે ચાલીને ઘરે પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન ટ્રક ચાલકે કચડી દીધા હતા. સ્થાનીક લોકોનું કહેવું છે કે દુર્ઘટનામાં આશરે 10 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા લોકોને ઈજા થઈ છે. તેવામાં મૃત્યુઆંક વધી શકે છે.
જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામનારમાં બાળકો પણ સામેલ છે. ભોજન કરવા માટે લોકો પોતાના બાળકો સાથે ગયા હતા. આ ઘટના વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના સુલ્તાનપુર ગામની છે. ઘટના બાદ સ્થળ પર હાજર ગ્રામીણો વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનીક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ઘટનાની સૂચના મળ્યા બાદ કોંગ્રેસ ધારાસભ્ય પ્રતિમા દાસ સ્થળ પર પહોંચ્યા ગતા. આ ઘટનાને લઈને તેમણે શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, 10થી 12 લોકોના મૃત્યુ થયા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. પ્રતિમા દાસે કહ્યું કે લોકોએ કહ્યું કે ટ્રક ચાલક દારૂના નશામાં હતો. આ ઘટના બાદ તે ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો.