બ્રિટનનાં રાણી એલિઝાબેથ-II નાં આજે લંડનમાં અંતિમ સંસ્કાર…

0
325

બ્રિટનનાં રાણી એલિઝાબેથ ટૂનાં આજે લંડનમાં અંતિમ સંસ્કાર થશે, જેમાં ૧૦ લાખથી વધુ લોકો હાજરી આપશે. ૮ સપ્ટેમ્બરે રાણીના અવસાન બાદ લંડનમાં ઘણા મુસાફરો જોવા મળ્યા હતા જે આજે એની પરાકાષ્ઠાએ પહોંચશે. દેશભરમાં ૨૫૦થી વધુ સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. લંડન ઑલિમ્પિક અને પૅરાલિમ્પિક ગેમ્સ બાદ સૌથી મોટી જાહેર પરિવહનની કામગીરી જોવા મળશે. વેસ્ટમિન્સ્ટરમાં અંતિમ સંસ્કારમાં અવાજની ખલેલ ન પહોંચે એ માટે હીથ્રો ઍરપોર્ટની ૧૦૦થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. સોમવારે ઍરપોર્ટની ૧૨૦૦ ફ્લાઇટ પૈકી ૧૫ ટકા ફ્લાઇટના સમયમાં ફેરફાર થશે. યુકેના ગાર્ડનમાં મોટી સ્ક્રીન તેમ જ સિનેમાહૉલમાં રાણીના અંતિમ સંસ્કાર દર્શાવવાની તૈયારી કરવામાં આવી છે. રાણીની અંતિમયાત્રા વેસ્ટમિન્સ્ટર પૅલેસના વેસ્ટમિન્સ્ટર હૉલથી શરૂ થશે. ૯૬ વર્ષની વયે અવસાન પામેલાં રાણીને સાંજે તેમના સ્વર્ગસ્થ પતિ પ્રિન્સ ફિલિપની બાજુમાં દફનાવવામાં આવશે.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત અનેક દેશોના વડા આ અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શનિવારે લંડન પહોંચ્યાં હતાં. શનિવારે દેશની સંસદના વેસ્ટમિન્સ્ટર હૉલમાં પાર્થિવ શરીરને રાખવામાં આવ્યું હતું ત્યારે રાજગાદીના વારસદાર પ્રિન્સ વિલિયમ્સની આગેવાનીમાં રાણીનાં આઠ પૌત્ર-પૌત્રીઓએ પાર્થિવ શરીરની પ્રદ​ક્ષિણા કરી હતી. રાણીએ બ્રિટન પર ૭૦ વર્ષ સુધી રાજ કર્યું હતું. સોમવારે બ્રિટનમાં રજા જાહેર કરવામાં આવી છે. શનિવારથી લોકોએ રાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે લાઇન લગાવી હતી જે ૮ કિલોમીટર લાંબી હતી.