રાજકોટના વકીલ એવા અભય ભારદ્વાજનું નામ 2016માં ત્યારે વિવાદમાં આવ્યું હતું જ્યારે તેમની હંગામી ધોરણે કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક કરાઈ હતી.
એ વખતે તેમની કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક સામે વિરોધ થયો હતો.તેમની નિમણૂક પર વિવાદ થયો હતો, કેમ કે તેઓ 2002નાં રમખાણોના બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા.રાજકોટમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજનો જન્મ યુગાન્ડામાં થયો છે.
અભય ભારદ્વાજ રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા ચીમનભાઈ શુક્લના સગા થાય છે. બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતાં અભય ભારદ્વાજે કહ્યું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોની સમસ્યા એ તેમની પ્રાથમિકતા રહેશે. અમદાવાદમાં મુસ્લિમ રહીશોની બહુમતી ધરાવતી ગુલબર્ગ સોસાયટી પર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાએ હુમલો કર્યો હતો. તેમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરી સહિત 69 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. જોકે, આ એક જ અસાઇમેન્ટથી અભય ભારદ્વાજ સરકારની નજીક છે એવું નથી. જુલાઈ 2019માં ગુજરાત સરકારે તેમને અન્ય એક ચર્ચિત જયંતી ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે નીમ્યા હતા. આ ઉપરાંત કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ જેમાં આરોપી હતા તે સૂત્રાપાડા માઇનિંગ કેસમાં પણ તેઓ સરકારી વકીલ રહી ચૂક્યા છે.
નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્મા સામે સરકારે જે ક્રિમિનલ કેસ દાખલ કર્યો એમાં પણ તેઓ જ વકીલ હતા. રાજકોટની ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓનાં મૃત્યુના કેસમાં પણ તેઓ સરકારી વકીલ હતા.