રેલવેએ 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. તે માટે 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન શરૂ કરવામાં આવશે. રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે આ માહિતી આપી છે.
રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે વધુમાં કહ્યું હતું કે, 80 નવી સ્પેશ્યલ ટ્રેનોનું ટાઈમટેબલ જલ્દી જાહેર કરવામાં આવશે. 80 નવી ટ્રેનો અથવા તો 40 ટ્રેનની જોડી 12 સપ્ટેમ્બરથી દોડવાની શરૂ થશે. નવી સ્પેશ્યલ ટ્રેનોનું 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન શરૂ કરવામાં આવશે. આ 80 ટ્રેનો પહેલાથી કાર્યરત 230 ટ્રેનો ઉપરાંત દોડશે. અત્યારે રેલવે તમામ કાર્યરત ટ્રેનોનું નિરીક્ષણ કરી રહી છે અને કઈ ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ લિસ્ટ છે તેના આધારે નક્કી કરવામાં આવશે નવી ટ્રેનોનો રૂટ. જ્યા કોઈ વિશેષ ટ્રેનની માંગ હશે, જ્યાં લાંબુ વેઈટિંગ લિસ્ટ હશે ત્યા અત્યારે દોડતી ટ્રેનોની આગળ ક્લોન ટ્રેન દોડાવીશું. જેથી મુસાફરો મુસાફરી કરી શકે.
Unlock 4.0ની ગાઈડલાઈન જારી થયાના ત્રણ દિવસ બાદ ભારતીય રેલવેએ કહ્યું હતું કે, રેલવે આગામી દિવસોમાં વધુ 100 ટ્રેન ચલાવવાની યોજના પર કામ કરી રહી છે. કોરોના વાયરસ તથા કડાલૉઉનને પગલે રેલવેએ 25 માર્ચથી તમામ પેસેન્જર, મેલ તથા એક્સપ્રેસ ટ્રેન સર્વિસને રદ્દ કરી દીધી હતી.
યાદવે એમ પણ કહ્યું હતું કે, જ્યારે પણ રાજ્યો તરફથી પરીક્ષા અથવા અન્ય સમાન હેતુ માટે માંગ કરવામાં આવે છે ત્યારે રેલવે ટ્રેનો દોડાવશે.
રેલવે સેવાએ પહેલાં ઘણી શ્રમિક સ્પેશિલ ટ્રેન સેવાઓની સાથે સાથે IRCTC સ્પેશિયલ ટ્રેન સેવાઓની શરૂઆત કરી હતી. કોરોના વાયરસ મહામારીને કારણે અત્યારે દરેક પેસેન્જર ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. ફક્ત અત્યારે દેશમાં 230 સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે. રેલવે શ્રમિકો માટે પહેલી મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. રેલવેએ 12 મેથી 15 જોડી એર કન્ડીશનર ટ્રેન તથા પહેલી જૂનથી 100 જોડી નિયત સમયની ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો હતો.