ચીને બુધવારે કહ્યું કે ભારતીય સીમા પર સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર અને નિયંત્રણમાં છે. બન્ને દેશ પરસ્પર વાતચીત મારફતે વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે વ્યવસ્થા ધરાવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું આ નિવેદન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનની સેના વચ્ચે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે સરહદને લગતા પ્રશ્નોને લઈ ચીનની સ્થિતિ સ્પષ્ટ છે.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના અનૌપચારિક શિખર સમ્મેલનને ટાંકી કહ્યું કે અમે બન્ને દેશોના નેતાઓની બેઠક બાદ જે મહત્વની સહમતિ અને સમજૂતી થઈ હતી તેનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છીએ. દરમિયાન ભારત-ચીન વચ્ચે સીમા વિવાદને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતા કરવાની તૈયારી દર્શાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના મુદ્દે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી કહ્યું છે કે અમે ભારત અને ચીન બન્નેને કહેવા માગી છીએ કે જો તેઓ ઈચ્છે તો સીમા વિવાદમાં અમેરિકા મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે.