ભારત અને શ્રીલંકા વિમેન્સ વચ્ચે આજે અંતિમ ટી20 મેચ…….

0
132

પ્રવાસી શ્રીલંકન વિમેન્સ ટીમ સામે અત્યાર સુધીની સિરીઝમાં વર્ચસ્વ જમાવનારી ભારતીય વિમેન્સ ટીમ મંગળવારે રમાનારી પાંચમી અને અંતિમ ટી20 ક્રિકેટ મેચમાં પણ આક્રમક વલણ અપનાવીને પાંચ મેચની આ સિરીઝમાં હરીફનો વ્હાઇટવોશ કરવાના ઇરાદા સાથે રમશે. ભારત હાલમાં 4-0ની સરસાઈ પર છે. મંગળવારે રમાનારી આ મેચ સાંજે 7.00 કલાકે શરૂ થશે.

ભારતે વર્તમાન સિરીઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને રવિવારે રમાયેલી મેચમાં આ સિરીઝમાં તેને પ્રથમ બેટિંગ કરવાની તક મળી હતી જેમાં તેણે 221 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. અત્યાર સુધી ફોર્મમાં નહીં દેખાતી સ્મૃતિ મંધાનાએ પણ ચોથી ટી20માં શાનદાર બેટિંગ કરી હતી.

અગાઉની ત્રણ મેચ લોસ્કોરિંગ મેચ બની રહી હતી અને તમામમાં ભારતે આસાનીથી વિજય હાંસલ કર્યા હતા જ્યારે ચોથી મેચમાં થોડો રોમાંચ જોવા મળ્યો હતો કેમ કે શ્રીલંકાએ પણ 222 રનના ટારગેટ સામે 191 રન કર્યા હતા આમ છતાં મેચ ભારતના જ પક્ષે રહી હતી. મંધાના અને શેફાલી વર્માએ જે રીતે શરૂઆત કરી હતી તેનાથી જ ભારતનો વિજય નક્કી થઈ ગયો હતો. વિમેન્સ ટી20 ઇતિહાસની સૌથી સફળ કેપ્ટન બની ગયેલી હરમનપ્રિત કૌર એક બેટર તરીકે કદાચ તેના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નહીં હોય પરંતુ કેપ્ટન તરીકે તે હવે વિશ્વની અગ્રણી કેપ્ટન બની ગઈ છે અને તેની આગેવાનીમાં ભારતીય ટીમ આ સિરીઝમાં કોઈ પણ તબક્કામાં પાછળ રહી નથી.